અમેરિકન કંપનીઓ ફી વધારાને એડજસ્ટ કરવામાં સફળ રહી

કંપનીઓ એચ-૧બી કામદારને સરેરાશ અમેરિકનની તુલનાએ ૧૬ % ઓછો પગાર ચૂકવતી હોવાના અહેવાલો

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અમેરિકનોની નોકરી છીનવી લેતા એચ-૧બી વિઝા વર્કરોના પ્રવાહને અટકાવવા માટે એક લાખ ડોલરની ફી તેના પર નાખી, પરંતુ આ ફી પણ એચ-૧બી વર્કરોના પ્રવાહને અટકાવી શકી નથી. આ બતાવે છે કે એચ-૧બી વિઝાની જંગી ફી સામે કંપનીઓએ કોઈ રીતે એડજસ્ટમેન્ટ કરીને પણ મોટાપાયા પર એચ-૧બી વર્કરોને લેવાનું ચાલું જ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે એચ-૧બી વિઝા પર મોટાભાગે ભારતીયો જ અમેરિકા જાય છે. અમેરિકન ટેલેન્ટને પણ ભારતીયોને આ વિઝા દ્વારા હાયર કરવામાં વધુ રસ છે. જોકે ટ્રમ્પે લાખોમાં ફી ઝીંકી છતાં મોટાપાયે હાયરિંગ ચાલુ રહેતા આ ટ્રમ્પ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
![]()
અમેરિકા સ્થિત નેશનલ બ્યૂરો ઓફ ઇકોનોમિક રિસર્ચના નવા અભ્યાસ મુજબ એચ-૧બી વિઝા માટે એક લાખ ડોલરની જંગી ફી કંપનીઓની એચ-૧બી વર્કરની માંગ પર અસર કરી શકી નથી.

અર્થશાસ્ત્રી જ્યોર્જ બોર્જાસે ધ એચ-૧બી વેજ ગેપ, વિઝા ફી, કંપનીની માંગ પર પેપર લખ્યું છે.તેમણે જણાવ્યું હતું કે આ ફી વધારીને ૧.૫૦ લાખથી બે લાખ ડોલર કરવામાં આવે તો પણ એચ-૧બી વિઝા વર્કરોની માંગ પર કોઈ અસર નહીં પડે. તેમનું તારણ હતું કે અમેરિકામાં જન્મેલા કામદારોની તુલનાએ એચ-૧બી વર્કરોને ઓછું વેતન ચૂકવાય છે. સરેરાશ એચ-૧બી વર્કર સરેરાશ અમેરિકન ટેકનોલોજી વર્કર કરતાં ૧૬ % જેટલી ઓછી કમાણી કરે છે.જો કે એચ-૧બી વર્કરોને ચૂકવાતા વેતનનો આધાર કંપનીઓ પર છે. અમેરિકાની મહાકાય ટેક કંપનીઓ મેટા અને એપલ એચ-૧બી બી વર્કરોને ૧.૫૦ લાખ ડોલરની નજીક વાર્ષિક પગાર ચૂકવે છે. જ્યારે ભારતીય મૂળની આઇટી કંપનીઓ ઇન્ફોસિસ અને વિપ્રો ૮૦,૦૦૦ ડોલર જેટલો વાર્ષિક પગાર ચૂકવે છે.
આ ઉપરાંત એમેઝોન, ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા, એપલ અને ટેસ્લા જેવી કંપનીઓમાં એચ-૧બી અને અમેરિકન કામદારો વચ્ચેનો પગારનો તફાવત ઓછો છે. જ્યાર ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અને એચસીએલ જેવી ભારતીય કંપનીઓમાં આ તફાવત વધારે છે.
