અમેરિકન સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ‘ગેરકાયદે’ જાહેર કરાયા છે. આ નિર્ણય બાદ ભારતને મોટી રાહત મળી છે. અગાઉના ટેરિફ રદ થયા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે એક અન્ય નિયમ હેઠળ તમામ દેશો પર ૧૦ % ટેરિફની જાહેરાત કરી છે.

જાહેરાત બાદ એવા સવાલો ઉઠી રહ્યા હતા કે, શું ભારત જેવા દેશો, જેઓ અમેરિકા સાથે ‘ટ્રેડ ડીલ’ પર સહમતિ સાધી ચૂક્યા છે, તેમના ઉત્પાદનોને આ નવા ટેરિફમાં સ્થાન મળશે કે નહીં? પરંતુ થોડી જ વારમાં અમેરિકી વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું કે, જે દેશો સાથે ટ્રેડ ડીલ થઈ ચૂકી છે અથવા સહમતિ બની છે, તેમના પર પણ હવે સમાન રીતે ૧૦ % ટેરિફ લાગુ કરવામાં આવશે. આ અગાઉ, ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૧૮ % ટેરિફ લગાવવાની વાત કરી હતી.

વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, ભારત પર ટેરિફનો દર ૧૮ % થી ઘટીને ૧૦ % થઈ ગયો છે. આ ટ્રમ્પના નવા ૧૦ % વૈશ્વિક ટેરિફની વ્યાખ્યા કરે છે. તેમણે ભારત સહિતના તમામ ટ્રેડ ડીલ ધરાવતા દેશો પરના ૧૦ % ટેરિફ અંગે વિગતવાર માહિતી આપી છે.

પહેલા કોના પર કેટલો ટેરિફ હતો?
– યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા અને સ્વિટ્ઝરલેન્ડ: ૧૫ %
– બ્રિટન: ૧૯ %
– ભારત: ૧૮ %
– વિયેતનામ: ૨૦ %

તમામ દેશો સાથે અમેરિકાની ટ્રેડ ડીલ થઈ ગઈ છે અથવા પ્રક્રિયામાં છે. પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ડોનાલ્ડ ટ્રમ્પના નવા આદેશમાં તમામ દેશો માટે ૧૦ % ટેરિફની વાત કરવામાં આવી છે.

આ આદેશનો સૌથી મોટો ફાયદો વિયેતનામને મળશે, કારણ કે તેને ૨૦ % ટેરિફ ચૂકવવો પડતો હતો. જે હવે ઘટીને ૧૦ % થઈ જશે. તેવી જ રીતે ભારત માટે પણ ટેરિફ ૧૮ % થી ઘટીને ૧૦ % પર આવી ગયો છે.

શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત સાથે ટ્રેડ ડીલ છે અને તેના ઉત્પાદનો પર 18 ટકા ટેરિફ ચાલુ રહેશે. પરંતુ બાદમાં અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, ૧૦ % ટેરિફનો નવો આદેશ તમામ દેશો પર લાગુ થશે, જેમાં ટ્રેડ ડીલ ધરાવતા દેશોનો પણ સમાવેશ થાય છે.

ટેરિફ લગાવવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ અમેરિકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સમગ્ર વિશ્વના વ્યાપાર જગતમાં હલચલ મચી ગઈ છે અને ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી આખી રાત પ્રતિક્રિયાઓ આવતી રહી હતી.
