ભારતીય વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ગુમ થયું હોવાનું સામે આવ્યું છે. સુ-૩૦એમકેઆઈ જેટ આસામના જોરહાટથી ઉડાન ભરી હતી અને પછી અચાનક કર્બી આંગલોંગ જિલ્લામાંથી રડાર પરથી ગાયબ થઈ ગયું છે. ગુવાહાટીમાં સંરક્ષણ મંત્રાલયના પીઆરઓએ જણાવ્યું હતું કે, ફાઈટર પ્લેનનો રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સુખોઈ ૩૦ ના ગુમ થવા અંગે પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, “ભારતીય વાયુસેનાનું સુ-૩૦એમકેઆઈ વિમાન ગુમ થયાના અહેવાલ છે. વિમાન આસામના જોરહાટથી ઉડાન ભરી હતી અને તેનો છેલ્લે સાંજે ૦૭:૪૨ વાગ્યે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તેમજ શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.”

સુ-૩૦એમકેઆઈ ફાઈટર જેટ ઝડપી અને ધીમી ગતિએ હવામાં દુશ્મનોને છેતરીને હુમલો કરી શકે છે. સુ-૩૦એમકેઆઈ એ રશિયાના સુ-૨૭ નું એડવાન્સ વર્ઝન છે. એરફોર્સ પાસે ૨૭૨ સુ-૩૦એમકેઆઈ છે. આ જેટ ગ્રીજેવ-શિપુનોવ ઓટોકેનનથી સજ્જ છે. જે એક મિનિટમાં ૧૫૦ રાઉન્ડ ફાયર કરે છે.

સુ-૩૦એમકેઆઈ ફાઈટર જેટમાં ૧૨ હાર્ડ પોઈન્ટ છે. તેમાં ૪ પ્રકારના રોકેટ લગાવી શકાય છે. ચાર પ્રકારની મિસાઈલ અને ૧૦ પ્રકારના બોમ્બ તહેનાત કરી શકાય છે. આ ફાઈટર જેટમાં હાર્ડપોઈન્ટ પર હથિયારો ફાયર કરવાની વધુ સુવિધાઓ છે. જો એકથી વધુ રેક લગાવવામાં આવે તો તેમાં ૧૪ હથિયારો લગાવી શકાય છે. તે કુલ ૮૧૩૦ કિલોગ્રામ વજનના હથિયારો ઉપાડી શકે છે. તેમાં બ્રહ્મોસ મિસાઈલ પણ તહેનાત કરી શકાય છે. ચીન અને પાકિસ્તાન જાણે છે કે બ્રહ્મોસ મિસાઈલ કેટલી ઘાતક અને ઝડપી છે. સુખોઈમાં લગાવવામાં આવેલી બ્રહ્મોસ મિસાઈલની રેન્જ ૫૦૦ કિ.મી. છે.
