મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે બેકાબૂ બન્યું છે. એકતરફ ઈરાની રાષ્ટ્રપતિની માફી અને બીજી તરફ રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઇઆરજીસી) દ્વારા કરવામાં આવેલા ભીષણ ડ્રોન હુમલાએ આખા અખાતી દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દરમિયાન નોર્વેથી પણ મોટા સમાચાર સામે આવ્યા છે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પાડોશી દેશો પર થયેલા હુમલા માટે અંગત રીતે માફી માંગી હતી, પરંતુ આ માફી તેમના જ દેશના કટ્ટરપંથીઓ અને IRGC કમાન્ડરોને પસંદ આવી નથી. આઇઆરજીસી એ રાષ્ટ્રપતિના વલણને ‘નબળું’ ગણાવીને હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે પણ આ માફીને ઈરાનનું ‘આત્મસમર્પણ’ ગણાવ્યું છે.
![]()
રાષ્ટ્રપતિના શાંતિના વાદાની ગણતરીની મિનિટોમાં જ ઈરાની ડ્રોન્સે યુએઈ, કતાર અને સાઉદી અરેબિયા પર હુમલા તેજ કર્યા છે. અબુ ધાબી પાસેના અલ ધાફરા એર બેઝ અને દુબઈમાં હુમલા થયા છે, જેમાં દુબઈમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. બહેરીનમાં પણ મીના સલમાન પાસે હુમલો થતા આગ લાગી હોવાના સમાચાર છે. કુવૈતમાં તો અમેરિકન સૈનિકોના રહેવાશની બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી હતી.

હુમલાઓથી લાલઘૂમ થયેલા યુએઈ એ ચેતવણી આપી છે કે દેશની સુરક્ષા એ ‘રેડ લાઈન’ છે અને તે કોઈ પણ હુમલાખોર સામે મજબૂત કિલ્લાની જેમ લડશે. બીજી તરફ, કતારના અમીરે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે દોહા પોતાના રાષ્ટ્રીય હિતો માટે કડક પગલાં લેતા અચકાશે નહીં.
યુરોપના નોર્વેની રાજધાની ઓસ્લોમાં આજે વહેલી સવારે અમેરિકન દૂતાવાસ પાસે એક રહસ્યમય અને શક્તિશાળી વિસ્ફોટ થયો છે. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના ઘરોની બારીઓ અને દિવાલો હલી ગઈ હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ તપાસ તેજ કરવામાં આવી છે.
