ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના!

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે ગત ૧૫ માર્ચની રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ગામના એક ફાર્મ હાઉસ પર ૧૫ થી ૨૦ જેટલા હથિયારધારી શખસોએ હુમલો કરી તોડફોડ મચાવી હતી. આ મામલે ચાણસ્મા પોલીસે ગુનો નોંધી ૩ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ફરજમાં બેદરકારી બદલ પીઆઈ સહિત ૮ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20નું ટોળું ધસી આવતા પોલીસકર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા 1 - image

પ્રાપ્ત વિગતો મુજબ ઝીલીયા ગામે નિર્માણ પામનાર રામાપીરના મંદિરના ફાળા ઉઘરાવવા બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભા (મુડેઠા) વચ્ચે મનદુઃખ થયું હતું. આ અદાવત રાખીને ૧૫ માર્ચની મધરાત્રે આશરે ૧૧:૪૫ વાગ્યે ૮ જેટલી ગાડીઓમાં સવાર થઈને આવેલા શખસો ફાર્મ હાઉસ પર હુલ્લડ મચાવ્યું હતું.

હુમલાખોરો ધારીયા, તલવાર અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે આવ્યા હતા. તેઓએ ફાર્મ હાઉસના ગેટ, દીવાલ અને ધાર્મિક તસવીરોમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં મુડેઠાના જીતુભા, વામૈયાના જહુભા અને દલપુજી નામના શખ્સોની ઓળખ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘટના સમયે ૧૧૨ પોલીસની બે વાન સ્થળ પર પહોંચી હતી, પરંતુ હુમલાખોરોએ પોલીસની પણ પરવા કરી ન હતી. હથિયારો બતાવી હુમલાખોરોએ પોલીસને ભગાડી મૂકી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. હુમલા દરમિયાન પોલીસની વાન પર હુમલો કરવા જતાં હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા., જેના કારણે ‘ફરજમાં રુકાવટ’નો અલગ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

સમગ્ર ઘટના બની ત્યારે પોલીસની વાન અને જવાનો ત્યાં હાજર હતા પરંતુ આવારા તત્ત્વોનો ખૌફ જોઈ પોલીસ પણ ડરી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ સાથે ઝપાઝપીના ઈરાદે જયારે લુખ્ખાઓ આગળ વધ્યા ત્યારે પોલીસે સ્થળ છોડી દોડી છૂટી હતી. જે અંગે પાટણ પોલીસને સવાલ કરવામાં આવતા, શરમજનક રીતે જવાબ મળ્યો હતો કે, પુરતો પોલીસ સ્ટાફ નહીં હોવાથી વધુ સ્ટાફ લેવા માટે પોલીસ ગઈ હતી. ત્યારે હવે ચર્ચાઓ ઉપડી છે કે જો પોલીસ જ આવા ગુંડાઓથી ભાગી છૂટે તો સામાન્ય માણસ અને કાયદો વ્યવસ્થાનું શું? સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થતાં પાટણ પોલીસનું જાણે નાક કપાયું હતું.

ઘટનાની ગંભીરતાને જોતા અને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ તંત્રએ કડક પગલાં લીધા છે. ચાણસ્માના પીઆઈ સોલંકી, એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ સહિત કુલ ૩ પોલીસકર્મીઓ અને ૫ જીઆરડી જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *