મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વધી રહ્યો છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) એ દાવો કર્યો છે કે ઈરાનના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાની પર હુમલો કરવામાં આવ્યો છે.

આઈડીએફ મુજબ આ હુમલામાં બાસિજ ફોર્સના કમાન્ડર ગુલામ રઝા સુલેમાનીનું મોત થયું છે. જોકે લારીજાનીના મોત અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. આઈડીએફ એ ગુલામ રઝા સુલેમાનીના મૃત્યુની પુષ્ટિ કરી છે, પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી કે ઈરાનના ટોચના શક્તિશાળી વ્યક્તિ લારીજાની હુમલામાં માર્યા ગયા કે ઘાયલ થયા.

ઇઝરાયલી સંરક્ષણમંત્રી કાત્ઝે દાવો કર્યો છે કે લારીજાની આઈડીએફ હુમલામાં માર્યા ગયા. બીજી તરફ, લારીજાનીના કાર્યાલયે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પ્રેસને સંબોધિત કરશે. ઇઝરાયલી અને અમેરિકાના હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનેઇના મૃત્યુ પછી અલી લારીજાની ઈરાનના સૌથી શક્તિશાળી લોકોમાંના એક તરીકે જાણીતા હતા. લારિજાની આયાતુલ્લા અલી ખમેનેઇના નજીકના સાથી હતા.

મંગળવારે ઈરાનના સરકારી મીડિયાએ લારીજાનીને ટાંકીને એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં ઈરાનના સુરક્ષા વડાએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘૪૭ વર્ષ પહેલાં, ઈરાનની ઇસ્લામિક ક્રાંતિમાં લોકોના વિજયની પૂર્વસંધ્યાએ, પહલવી શાસનના વડાપ્રધાને દાવો કર્યો હતો કે રસ્તાઓ પર ભીડના નારા વાસ્તવિક નથી, પરંતુ ટેપ રેકોર્ડિંગનો અવાજ છે.’ હવે ટ્રમ્પ ઈરાની શહેરોમાં લાખો લોકોના અમેરિકા વિરોધી અને ઇઝરાયલ વિરોધી વિરોધ પ્રદર્શનો વિશે કહે છે કે આ એઆઈ છબીઓ છે.

ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાન પર હુમલો કરવાનું શરૂ કર્યું, ત્યારે લારીજાનીએ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો તરફથી સમર્થન ન મળવા પર નિરાશા વ્યક્ત કરી. તેમણે સોમવારે કહ્યું, ‘વાતચીત દરમિયાન અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર વિશ્વાસઘાતથી હુમલો કર્યો.’ “તેમનો ઉદ્દેશ્ય ઈરાનનો નાશ કરવાનો હતો. આ હુમલામાં ઇસ્લામિક ક્રાંતિના મહાન નેતા અને ઘણા નાગરિક અને લશ્કરી કમાન્ડરોની શહાદત થઈ.”
