જ્યારે પણ તમે કોઈને પ્રેમ કરો છો તો તેના માટે કંઈ પણ કરવા માટે તમે ગમે ત્યારે રેડી જ હોવ છો. પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની સૌથી સુંદર રીત એટલે કિસ છે. પણ શું તમે જાણો છો કે તમારી આ રોમેન્ટિક પળ તમારી સેહત માટે આફત બની શકે છે? વર્ષ 2026ના લેટેસ્ટ રિસર્ચ મુજબ કિસ કરતી વખતે લાળ દ્વારા કેટલાક એવા તત્વો ટ્રાન્સફર થાય છે જે જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે, આનાથી બચવાનો ઉપાય ખૂબ જ સરળ છે. જે છે માત્ર અડધો ગ્લાસ પાણી.

સીલિયાક રોગ અને ગ્લુટેનનું જોખમ
કોલંબિયા યુનિવર્સિટીના એક ચોંકાવનારા અભ્યાસમાં સામે આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને સીલિયાક ડિસીઝ હોય, તો તેના માટે ગ્લુટેન ઝેર સમાન છે. રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે જો પાર્ટનરે ઘઉંમાંથી બનેલી વસ્તુ ખાધી હોય અને ત્યારબાદ કિસ કરે, તો લાળ દ્વારા ગ્લુટેન બીજા પાર્ટનરમાં ટ્રાન્સફર થઈ શકે છે. પરંતુ રાહતની વાત એ છે કે, જો કિસ કરતા પહેલા પાર્ટનર માત્ર અડધો ગ્લાસ પાણી પી લે, તો ગ્લુટેન ટ્રાન્સફર થવાનું જોખમ લગભગ શૂન્ય થઈ જાય છે. પાણી મોઢામાં રહેલા ગ્લુટેનના કણોને સાફ કરી નાખે છે.

‘કિસિંગ ડિસીઝ’ અને નર્વસ સિસ્ટમ પર ખતરો
બીજી તરફ, અમેરિકાની માયો ક્લિનિકના રિસર્ચમાં એપસ્ટિન-બાર વાયરસ (ઇબીવી) વિશે ચેતવણી આપવામાં આવી છે, જેને સામાન્ય રીતે ‘કિસિંગ ડિસીઝ’ કહેવામાં આવે છે. આ વાયરસ લાળ દ્વારા ફેલાય છે અને તેના કારણે તાવ, થાક અને ગળામાં સોજા જેવી સમસ્યાઓ થાય છે.

સૌથી ગંભીર વાત એ છે કે જે લોકોને આ વાયરસનો ચેપ લાગે છે, તેમને ભવિષ્યમાં મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી ગંભીર બીમારી થવાનું જોખમ વધી જાય છે. આ એવી સ્થિતિ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જ ચેતાતંત્રને નુકસાન પહોંચાડવા લાગે છે.

શું રાખવી સાવચેતી?
રોમાન્સમાં વિઘ્ન ન આવે તે માટે નિષ્ણાતો બે સરળ સલાહ આપે છે. જેમાં જો તમારા પાર્ટનરને ગ્લુટેનથી એલર્જી હોય, તો કિસ કરતા પહેલા હંમેશા પાણી પીવાની આદત પાડવી જોઈએ. જો કોઈને વાયરલ ઇન્ફેક્શન, તાવ કે ગળામાં દુખાવો હોય, તો તે સમયગાળા દરમિયાન કિસ કરવાનું ટાળવું જોઈએ. સ્વાસ્થ્ય પ્રત્યેની આ નાની અમસ્તી જાગૃતિ તમારા પ્રેમને સુરક્ષિત અને હેલ્ધી રાખી શકે છે.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
