અમેરિકા વિશ્વભરમાં ૧૬૬ અબજ ડોલર પરત કરશે
![]()
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગયા મહિને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ આદેશને રદ કરી દીધો હતો. આ ઉપરાંત કોર્ટે અત્યાર સુધીમાં વસૂલવામાં આવેલા ટેરિફને પરત કરવાનો ટ્રમ્પ તંત્રને આદેશ આપ્યો હતો. હવે અમેરિકાએ ટેરિફ રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અંદાજ મુજબ વિશ્વના અનેક દેશો પાસેથી ટેરિફ વસૂલનાર અમેરિકા લગભગ ૧૬૦ અબજ ડૉલર રિફંડ કરશે.
![]()
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં આદેશ બાદ અમેરિકન તંત્રએ ટેરિફ રિફંડ પ્રક્રિયા ૨૦ એપ્રિલથી શરૂ કરી દીધી છે. અંદાજ મુજબ ટેરિફ પેટે લેવાયેલા ૧૬૬ અબજ ડૉલર પરત કરવામાં આવશે. હવે અમેરિકન સરકારને તે આયાતાકારો ક્લેમ કરી શકશે, જેમણે ટ્રમ્પના આદેશ બાદ ‘ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ ટેરિફની ચૂકવણી કરી હતી. અંદાજે ૩.૩૦ લાખ અમેરિકન કંપનીઓએ ૫.૩ કરોડથી વધુ શિપમેન્ટ પર આ ટેક્સ ભર્યો હતો, જેઓ હવે આ રકમ પરત મેળવવા માટે લાયક છે.
રિફંડ પ્રક્રિયા ઓટોમેટિક કરાઈ નથી. રિફંડ મેળવવા માટે કંપનીઓએ અરજી કરવી પડશે. આશા છે કે, મંજૂરી મળ્યા બાદ લગભગ ૬૦ થી ૯૦ દિવસની અંદર (મેથી જુલાઈ-૨૦૨૬ વચ્ચ) રિફંડ મળવાનું શરૂ થઈ જશે. ખાસ વાત એ છે કે, અમેરિકન નાગરિકો કે ગ્રાહકોને સીધું રિફંડ નહીં મળે. આ નાણાં માત્ર તે આયાતકાર અને કંપનીઓને પરત કરાશે, જેમણે સરકારને ટેક્સ આપ્યો હતો. ભલે રિફંડ પ્રક્રિયા હેઠળ કંપનીઓને અબજૉ ડૉલર પરત મળવાના હોય, પરંતુ નિષ્ણાતોના મત મુજબ, સામાન્ય ગ્રાહકોને તેનો તાત્કાલીક કોઈ લાભ મળવાની સંભાવના નથી.

ભારતની વાત કરીએ તો અંદાજ મુજબ, ભારતીય નિકાસકારોને રિફંડ પેટે ૧૦ થી ૧૨ અબજ ડૉલર સુધીનો ફાયદો થઈ શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI)ના રિપોર્ટ મુજબ, અમેરિકન કોર્ટે ટેરિફ રદ કરવાનો આદેશ આપ્યા બાદ અમેરિકા દ્વારા ૧૬૬ અબજ ડૉલરનો ટેરિફ પરત ચૂકવવાનો રસ્તો ખુલી ગયો છે. જોકે રિફંડ સીધું ભારતીય નિકાસકારોના બેંક ખાતામાં નહીં આવે. નિયમો મુજબ, માત્ર અમેરિકન આયાતકારો જ રિફંડ ક્લેમ કરી શકે છે. ભારતીય નિકાસકારોએ જે અમેરિકન કંપનીઓ સાથે વેપાર કર્યો છે, તેમની સાથે રિફંડ માટે વાતચીત કરવી પડશે. જ્યારે આયાતકાર અને નિકાસકાર વચ્ચે રિબેટ શેયરિંગ (રિફંડની પરસ્પર વહેંચણી) માટે સંમત થશે, ત્યારપછી ભારતીય નિકાસકારના એકાઉન્ટમાં પૈસા આવી શકશે.
૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ થી ટ્રમ્પ તંત્ર દ્વારા નવા ટેરિફ લાગુ કરવામાં આવ્યા હતા. તેની વિરુદ્ધ અમેરિકી કોર્ટમાં જ અરજી થઈ હતી. અમેરિકી સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ ૬-૩ ની સરેરાશથી નિર્ણય લેવાયો હતો. ટ્રમ્પ સરકારને આદેશ અપાયો હતો કે, જે ટેરિફ ઉઘરાવાયો છે તે ગેરકાયદે છે અને તેને પરત કરવામાં આવે. આ મુદ્દે બંધારણીય વિવાદ થયા બાદ ટ્રમ્પ તંત્રએ દાવો કર્યો હતો કે, ૧૯૭૭ ઈર્મજન્સી પાવર્સ સ્ટેટયુના આધારે ટેરિફ લાગુ કરવામાં આવ્યા હતા કોર્ટે આ વાત ગ્રાહ્ય રાખી નહોતી અને આ ટેરિફ પાછો આપવાના આદેશ કરવામાં આવ્યા હતા.
