‘પશ્ચિમ બંગાળમાં મોટી ભૂલ…’

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં મોટી ભૂલ થઈ છે અને આ વાતને કોઈ નકારી શકતું નથી. મતદાર યાદીમાંથી ઘણા મતદારોના નામ દૂર કરી દેવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે અમે ચૂંટણી પછી આ મુદ્દે સુનાવણી કરીશું, પરંતુ હવે સુનાવણી કરવાનો શું અર્થ? ચૂંટણી તો પુરી થઈ ગઈ છે અને તે લોકોને મત આપવાનો મોકો જ મળ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે જો BJP જીતવા માંગતી હતી તો તે જીત મેળવી. હવે દેશના બાકીના ભાગમાં શું થાય છે તે જોવાનું રહેશે.
શોપિયાંમાં મદરેસા સીલ મુદ્દે શું કહ્યું?
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં મદરેસાને સીલ કરવા અંગે ઓમર અબ્દુલ્લા મૌન છે. પીડીપીના આરોપનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું, “હું કોઈ અન્ય પક્ષના આદેશ મુજબ કામ કરતો નથી. જ્યારે મારી પાસે કંઈક કહેવાનું હોય છે, ત્યારે હું તે કહું છું. ન તો હું ચૂપ છું, ન તો મારી સરકાર. જ્યાં પણ એવા મુદ્દાઓ ઉભા થાય છે જેના પર અમારી ટિપ્પણીની જરૂર હોય છે, અમે બોલીએ છીએ. કાં તો સરકાર વતી અથવા સંગઠન વતી.”

NCના ધારાસભ્યો પાર્ટી છોડવાની અટકળો પર શું કહ્યું?
નેશનલ કોન્ફરન્સના કેટલાક ધારાસભ્યો પાર્ટી છોડશે તેવી અટકળોને લઈને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું, “જો કોઈ ધારાસભ્યો પાર્ટી છોડવાની તૈયારીમાં હોત, તો શું હું અહીં કાર્યક્રમમાં શાંતિથી બેઠો હોત? આ બધું બિનઆધારભૂત છે.” તેમણે વધુમાં જણાવ્યું કે “આ એ જ લોકો છે જેમણે ભાજપના કહેવા મુજબ રાજ્યસભામાં તેમની મદદ કરી હતી. આ વાત અમે નથી કહી રહ્યા, પરંતુ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ સાબિત થઈ છે. નેશનલ કોન્ફરન્સમાં એવો કોઈ ધારાસભ્ય નથી જે સંગઠન છોડીને ભાજપને મદદ કરવા માટે તૈયાર હોય.”
કેબિનેટમાં ફેરફાર અંગે શું કહ્યું?
કેબિનેટમાં ફેરફાર અંગે પૂછાયેલા પ્રશ્ન પર મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ હસીને જવાબ આપ્યો, “તમને આટલી ચિંતા કેમ છે? જ્યારે કરવાની જરૂર પડશે ત્યારે કરી લઈશું.”
