નવા મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. ઓઇલ વિતરણ કંપનીઓએ ૦૧ જૂન ૨૦૨૬ થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે.

ઘરેલુ રાંધણ ગેસના ભાવ યથાવત્
નવા દરો અનુસાર ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹ ૪૨ સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરોમાં વપરાતા ૧૪.૨ કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મહાનગરોમાં કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ
દેશના જુદા જુદા મહાનગરોમાં ઓઇલ કંપનીઓ દ્વારા સ્થાનિક ટેક્સના આધારે અલગ-અલગ ભાવવધારો કરવામાં આવ્યો છે:
![]()
દિલ્હી: ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹ ૪૨ વધીને હવે ₹ ૩૧૧૩.૫૦ થઈ ગઈ છે.
કોલકાતા: અહીં વેપારીઓ પર સૌથી વધુ બોજ પડ્યો છે, જ્યાં કિંમત ₹ ૫૩.૫૦ વધીને ₹ ૩૨૫૫.૫૦ પર પહોંચી ગઈ છે.
આ ભાવવધારાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યાવસાયિક એકમો ચલાવતા નાના-મોટા વેપારીઓનું બજેટ ખોરવાશે અને બહાર ખાવા-પીવાનું મોંઘું થઈ શકે છે.

૫ કિલોના નાના સિલિન્ડરમાં પણ વધારો
માત્ર મોટા જ નહીં, પરંતુ નાના વેપારીઓ અને મજૂર વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતા ૫ કિલોગ્રામના FTL (Free Trade LPG) સિલિન્ડરની કિંમતમાં પણ કંપનીઓએ ₹ ૧૧ નો ઉમેરો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં ૫ કિલોનો નાનો સિલિન્ડર હવે ₹ ૮૨૧.૫૦ ની નવી કિંમતે મળશે.
વર્ષ ૨૦૨૬ માં મોંઘવારીનો ગ્રાફ: ૬ મહિનામાં કિંમતો બમણી થઈ
વર્ષ ૨૦૨૬ ની શરૂઆતથી જ કોમર્શિયલ ગેસના ભાવમાં સતત આગ લાગી રહી છે. છેલ્લા ૬ મહિનાના આંકડા પર નજર કરીએ તો કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે:

જાન્યુઆરી ૨૦૨૬: દિલ્હીમાં ભાવ ₹ ૧૬૯૧.૫૦ હતો.
ફેબ્રુઆરી: ₹ ૪૯ નો વધારો.
માર્ચ: ₹ ૧૧૫ નો વધારો.
એપ્રિલ: ₹ ૧૯૫.૫૦ નો વધારો.
મે: પ્રતિ સિલિન્ડર રેકોર્ડબ્રેક ₹ ૯૯૩ નો તોતિંગ વધારો થયો હતો.
જૂન: ફરી ₹ ૪૨ વધતા હવે કિંમત ₹ ૩૧૧૩.૫૦ થઈ ગઈ છે.
આમ, જાન્યુઆરીમાં જે સિલિન્ડર આશરે ₹ ૧૬૯૧.૫૦ માં મળતું હતું, તે જૂન આવતા-આવતા ₹ ૩૧૧૩ ને પાર થઈ ગયું છે, જેનાથી વેપાર જગતમાં ચિંતાનો માહોલ છે.
