ભીષણ આગ કાબૂમાં આવતા કારણોની તપાસ શરૂ
અમદાવાદમાં આવેલા સાબરમતી યાર્ડમાં પડેલા એક પેસેન્જર કોચ(ડબ્બા)માં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના કારણે સમગ્ર યાર્ડ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અને ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રેલવે પ્રશાસન અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ પાણીનો સતત મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જેથી આગ અન્ય કોચમાં ફેલાતી અટકી ગઈ હતી.

આ કોચ યાર્ડમાં હોવાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. યાર્ડમાં કોચમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

