
દિલ્હીમાં પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વાયનાડ સાંસદ પ્રિયંકા ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના આગેવાનો ૭ લોક કલ્યાણ માર્ગ સ્થિત PM આવાસ નજીક ધરણા પર બેસી ગયા છે. વિપક્ષી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, ‘વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સંસદના ચોમાસુ સત્ર દરમિયાન હંગામો મચાવવા માટે વિદ્યાર્થીઓનો રાજકીય હથિયાર તરીકે બેશરમીથી ઉપયોગ કરી રહી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસે માનનીય વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર ધરણા કરવાનો રસ્તો પસંદ કર્યો, જેનાથી આમ જનતાને ભારે મુશ્કેલી પડી અને નક્કી કરેલા સુરક્ષાના નિયમોની પણ અનદેખી કરવામાં આવી. સરકાર દ્વારા વિસ્તૃત ચર્ચા માટે તૈયાર હોવાની વાત કહ્યા પછી પણ, કોંગ્રેસે લોકશાહી બહસના બદલે રાજકીય નાટક ઊભું કરવાનું પસંદ કર્યું. તેમનો હેતુ ક્યારેય વિદ્યાર્થીઓ માટે ઉકેલ શોધવાનો નહોતો, પરંતુ માત્ર રાજકીય હેડલાઈન્સ મેળવવા માટે હંગામો કરવાનો હતો.’

