ઉકાઈ-કાકરાપાર યોજનાના ૫૩ વર્ષ

જાણો ગુજરાતની સૌથી જૂની અને બીજી સૌથી મોટી જીવાદોરીની ખાસિયતો

ઉકાઈ-કાકરાપાર યોજનાના 53 વર્ષ: જાણો ગુજરાતની સૌથી જૂની અને બીજી સૌથી મોટી જીવાદોરીની ખાસિયતો

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ગામે સ્થિત ઉકાઈ-કાકરાપાર યોજના સમગ્ર દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. ભારતની આ અત્યંત મહત્ત્વપૂર્ણ બહુહેતુક યોજના તાપી નદી પર બે તબક્કામાં નિર્મિત કરવામાં આવી છે. પહેલા તબક્કામાં વર્ષ ૧૯૪૯ થી 1954 દરમિયાન ૬૩૩.૫૦ મીટર લંબાઈ ધરાવતો કાકરાપાર વીયર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં ઓગસ્ટ ૧૯૬૧ માં પ્લાનિંગ કમિશન અને ફેબ્રુઆરી-૧૯૬૨ માં રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ, ૧૯૬૪ માં કામ શરૂ કરીને સને ૧૯૭૨ માં ઉકાઈ બંધનું નિર્માણ પૂર્ણ કરાયું હતું. આ જળાશયમાં સૌપ્રથમવાર વર્ષ ૧૯૭૩ માં એટલે કે ૫૩ વર્ષ પહેલાં પાણી ભરવામાં આવ્યું હતું.

ઉકાઈ ડેમ.jpg

અંદાજે ૬૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ ૭,૪૯૭ મિલિયન ઘન મીટર અને જીવંત સંગ્રહ શક્તિ ૬,૬૧૫ મિલિયન ઘન મીટર છે. બંધથી ઉપરવાસમાં તેની લંબાઈ ૧૧૨ કિલોમીટર અને સરેરાશ પહોળાઈ ૫.૫ કિલોમીટર જેટલી છે. જળાશયમાં પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધિની લંબાઈ ૫૨૫ કિલોમીટર જેટલી થાય છે.

WhatsApp Image 2026-08-10 at 9.31.05 AM (1).jpeg

આ યોજના હેઠળ ૩,૩૧,૫૫૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે, જેના દ્વારા ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની ખેતીને સમૃદ્ધિ સાંપડી છે. આ ઉપરાંત, ઉકાઈ-પૂર્ણા ઉચ્ચતળ નહેર, સોનગઢ ઉચ્છલ નિઝર, કાકરાપાર-ગોરધા-વડ અને તાપી-કરજણ જેવી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા હજારો હેક્ટર જમીન અને ગ્રામીણ વિસ્તારોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કુલ ૨૯૮ ગામોનો સમાવેશ થાય છે. ઉકાઈ પૂર્ણા ઉચ્ચતળ નહેરની લંબાઈ ૫૧,૧૧૦ મીટર છે અને આ નહેરની વહન ક્ષમતા ૪૮૦ ક્યુસેક છે.

WhatsApp Image 2026-08-10 at 9.31.06 AM.jpeg

ઉકાઈ બહુહેતુક યોજના માત્ર સિંચાઈ જ નહીં, પરંતુ રાજ્યના વીજ પુરવઠા અને પીવાના પાણીની જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ યોજનાથી ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટના ૧૧૧૦ મેગાવોટ, હાઇડ્રો પાવર પ્લાન્ટના ૩૦૫ મેગાવોટ અને કાકરાપાર અણુ મથકના ૧૮૪૦ મેગાવોટ જેવા અગ્રણી પ્લાન્ટ્સમાં પાવર જનરેશન માટે પાણી પૂરું પાડવામાં આવે છે.

WhatsApp Image 2026-08-10 at 9.31.05 AM (2).jpeg

આ ઉપરાંત, કમાન્ડ વિસ્તારમાં આવતી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પાણી પુરવઠા યોજનાઓ મારફતે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના શહેરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. સાથે જ જીઆઈડીસી, જે.કે. પેપર મિલ જેવા ઔદ્યોગિક એકમો અને સુગર ફેક્ટરીઓને પણ આ યોજના દ્વારા જળ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈમાંથી નીકળતી તાપી નદી ૭૨૪ કિલોમીટર લંબાઈ ધરાવે છે, જેમાંથી ૨૧૪ કિલોમીટરનો પ્રવાહ ગુજરાતમાં વહે છે. તાપી નદી એ ગુજરાતની પશ્ચિમ તરફ વહેતી બીજા નંબરની સૌથી મોટી નદી છે. ઉકાઈ જળાશય આગળ તેનો સ્ત્રાવ વિસ્તાર ૬૨,૨૨૫ ચોરસ કિલોમીટર છે. મેન્યુઅલ મુજબ ચોમાસા દરમિયાન જળાશય માટે નિયમનકારી પાણી ભરવાના લેવલ અગાઉથી જ નક્કી કરવામાં આવ્યા છે, જે ઉત્તમ જળ વ્યવસ્થાપનનું પ્રતિક છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *