ધર્મનગરી અને ‘છોટા કાશી’ તરીકે ઓળખાતા જામનગરમાં ભગવાન શિવનું એક અત્યંત અનોખું અને પાવન ધામ આવેલું છે. શહેરના હૃદયસમા આ કાશી વિશ્વનાથ શિવાલયની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ભક્તો શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકે છે. ભારતમાં આવા ગણ્યા ગાંઠ્યા જ શિવાલયો છે, જે આ મંદિરને અન્ય ધામોથી અલગ ઓળખ અપાવે છે.
![]()
વારાણસીથી કાવડમાં લાવવામાં આવ્યું હતું શિવલિંગ
આ પવિત્ર મંદિરનો ઈતિહાસ ૧૩૨ વર્ષ જૂનો છે. મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, વારાણસીના કાશી વિશ્વનાથના સાનિધ્યમાં વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ આ પવિત્ર શિવલિંગને અખંડ દૂધની ધાર અને અખંડ જ્યોત સાથે કાવડ મારફતે જામનગર લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી તેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

૭૨ સ્તંભો પર ચોપાટ આકારની અદભૂત રચના
૭૨ સ્તંભો પર ઊભેલું આ શિવાલય સ્થાપત્ય શૈલીની દ્રષ્ટિએ અત્યંત બેનમૂન અને અદભૂત છે, જેની આખી રચના ચોપાટના વિશિષ્ટ આકાર જેવી જોવા મળે છે. આ પવિત્ર મંદિરમાં મહાદેવની સાથે ભગવાન ગણપતિ, કાળભૈરવ, હનુમાનજી, ચંડભૈરવ અને બટુક ભૈરવ પણ શ્રદ્ધાપૂર્વક બિરાજમાન છે.
ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર
શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોનું કીડીયારું ઊભરાય છે. સવારથી સાંજ સુધી શિવભક્તો જળાભિષેક અને દુગ્ધાભિષેક કરી ધન્યતા અનુભવે છે. ઘંટનાદ અને “હર હર મહાદેવ”ના જયઘોષથી સમગ્ર શિવાલયનું વાતાવરણ ભક્તિમય બની જાય છે.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
