સુરતમાં તહેવારો પહેલાં ‘ઝેરી ખેલ’ ખુલ્લો પડ્યો!

સરથાણામાંથી ૬૮૩ કિલો ડુપ્લીકેટ માવો અને મીઠાઈ ઝડપાઈ

Surat Fake Mawa & Sweets Racket Busted | 723kg Adulterated Food Seized

આવનારા તહેવારોની મોસમમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરત શહેર ઝોન-૧ એલસીબી સ્કોડ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્તપણે કામગીરી કરીને સરથાણા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ નકલી અને ભેળસેળયુક્ત માવો તેમજ મીઠાઈનો જથ્થો શહેરની અલગ-અલગ દુકાનોમાં સપ્લાય કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ‘શ્રી મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટ’ ના નામે નકલી દૂધનો માવો તથા મીઠાઈ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ રેડ દરમિયાન સ્થળ પરથી ૬૮૩ કિલો જેટલો શંકાસ્પદ અને ડુપ્લીકેટ માવો, ૧૬૦ કિલો મોતીચૂરના લાડુ તેમજ લીલા અને પિંક કલરની ૧૨૦ કિલો બરફીનો સમાવેશ થાય છે. કુલ મળીને ૬૮૩ કિલો નકલી અખાદ્ય માવો અને મીઠાઈ ઝડપાઈ છે. જેની અંદાજિત કિંમત ₹ ૧.૪૦ લાખ આંકવામાં આવી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ભાવેશ વઘાસીયા નામનો ઈસમ આ કારોબાર ચલાવતો હતો. તે અન્ય શહેરોમાંથી અંદાજે ₹ ૧૮૦ પ્રતિ કિલોના ભાવે રંગ ભેળવેલો આ ડુપ્લીકેટ માવો સુરતમાં લાવતો હતો. ત્યારબાદ તેમાંથી વિવિધ મીઠાઈઓ બનાવી અલગ-અલગ દુકાનોમાં હોલસેલ ભાવે વેચતો હતો અને આ ગોરખધંધો છેલ્લા ત્રણ વર્ષથી ચલાવતો હતો. અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હતો.

દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ તથા આરોગ્ય વિભાગની ટીમે ડુપ્લીકેટ માવો અને ગોડાઉનમાં ઉપલબ્ધ અન્ય તમામ સામગ્રીને સીલ કરીને તેના કાયદેસરના સેમ્પલ મેળવ્યા છે. ત્યારબાદ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને આ ₹ ૧.૪૦ લાખની કિંમતના ૬૮૩ કિલો ડુપ્લીકેટ માવો અને માઠાઈઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ અને ફૂડ વિભાગની આ કાર્યવાહીથી તહેવારો ટાણે ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફાળ પડી છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *