નરોડા પોલીસનો કોન્સ્ટેબલ જનક સસ્પેન્ડ

અમદાવાદ પોલીસ કમિશનરના દારૂ વિરોધી આકરા ડ્રાઇવના આદેશ વચ્ચે નરોડા પોલીસ સ્ટેશન વિવાદમાં સપડાયું છે. દારૂના કેસમાં સેટલમેન્ટ માટે લાખો રૂપિયાની માંગણી કરતો એક કથિત ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર મામલો?
ગત ૨૪ ઓગસ્ટે નરોડા સિટી સેન્ટર પાછળના ખુલ્લા મેદાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૪૩ નંગ વિદેશી દારૂના ક્વાર્ટર, કાર અને મોબાઇલ સહિત રૂ. ૫,૧૮,૯૭૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ એક શખ્સ સ્થળ પરથી ઝડપાયો હતો, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
વાયરલ ક્લિપ અને સેટલમેન્ટનો ખેલ
રેડ બાદ નરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જનક અને વોન્ટેડ બુટલેગર મહંમદ હારૂન જબ્બાર શેખ વચ્ચેની કથિત વાતચીત સામે આવી હતી. વાયરલ ક્લિપમાં કોન્સ્ટેબલ પ્રોહિબિશનના કેસમાં રૂ. ૩ થી ૩.૫૦ લાખમાં મામલો પતાવવાની વાત કરતો સંભળાય છે. વીડિયોમાં કોન્સ્ટેબલ એવો દાવો પણ કરે છે કે “સાહેબ ૬ થી ૮ લાખ માંગે છે, પરંતુ ૩ લાખ સુધી વહીવટ પતાવવાનો પ્રયાસ કરીશ” અને રૂ. ૧.૫૦ લાખ ઓછા હોવાનું કહી વધુ રકમની માંગણી કરે છે.

કોન્સ્ટેબલ સસ્પેન્ડ, એસીપી ને તપાસ સોંપાઈ
નરોડા પોલીસ સ્ટેશનના નવા પી.આઈ.એ ચાર્જ સંભાળ્યાના માત્ર બે જ દિવસમાં આ વીડિયો સામે આવતા જ ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને આક્ષેપિત કોન્સ્ટેબલ જનકને તાત્કાલિક અસરથી ફરજ પરથી મોફુક (સસ્પેન્ડ) કરી દેવાયો છે.
આ કથિત ઓડિયો/વીડિયો સાચો છે કે કેમ અને ખરેખર નાણાંની માંગણી થઈ હતી કે કેમ તે અંગે તટસ્થ તપાસ માટે G ડિવિઝનના એસીપી ને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
