ભરૂચમાં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી સેવા આપતા બ્લિંકિટ ના સ્ટોર સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. બ્લુચિપ કોમ્પ્લેક્સમાં આવેલા બ્લિંકિટ સ્ટોરમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સ્ટોરની કામગીરી અને ખાદ્ય સામગ્રીના સંગ્રહ અંગે કેટલીક ગંભીર ખામીઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસમાં સામે આવ્યું
ફૂડ વિભાગની તપાસ દરમિયાન કોલ્ડ સ્ટોરેજમાં બગડી ગયેલા શાકભાજી મળી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટોરમાં જરૂરી હાઈજેનિક કન્ડિશન જળવાતી ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને સ્વચ્છતાને લઈને નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની તપાસ માટે વિભાગે આ કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન સામે આવેલી ખામીઓને પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા બ્લિંકિટ સ્ટોરને નોટિસ પાઠવવામાં આવી છે. સાથે જ સ્ટોરને બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ સ્ટોરમાં રાખવામાં આવતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને સવાલો ઊભા થયા છે.

વેપારીઓમાં ચકચાર
ફૂડ વિભાગની કાર્યવાહીથી અન્ય ખાદ્ય સામગ્રીના સ્ટોર અને ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ચકચાર મચી છે. ગ્રાહકોને વેચવામાં આવતી ખાદ્ય સામગ્રી સુરક્ષિત અને યોગ્ય ગુણવત્તાની હોય તે સુનિશ્ચિત કરવા માટે નિયમિત તપાસ જરૂરી છે. હાલમાં વિભાગ દ્વારા સ્ટોરને આપવામાં આવેલી નોટિસ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય તો સંબંધિત સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
