અમાસે ત્રિવેણી સંગમમાં સ્નાનથી પુણ્યફળની પ્રાપ્તિ
/indian-express-gujarati/media/media_files/2026/08/31/kuber-bhandari-mandir-chanod-2026-08-31-22-31-36.jpg)
શ્રાવણ માસમાં ગુજરાતના કુબેર ભંડારી મંદિરમાં દર્શન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. અહીં શિવજીના દર્શન કરનાર ભક્તને અન્ન અને ધનના ભંડાર ખુટતો નથી.

શ્રાવણ માસમાં ગુજરાતભરના શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા નજીક કરનાળી ખાતે આવેલું પ્રસિદ્ધ શ્રદ્ધાધામ કુબેર ભંડારી (કુબેરેશ્વર મહાદેવ) મંદિર શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશથી લાખો ભક્તો અહી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

કુબેર ભંડારી મંદિરની પૌરાણિક કથા
પૌરાણિક માન્યતા અનુસાર, એક સમયે શિવજી અને પાર્વતીજી પૃથ્વી ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ આ પવિત્ર સ્થળે રોકાયા હતા. આ વિસ્તારમાં ભારે દુષ્કાળ અને ભૂખમરાની સ્થિતિ જોઈ પાર્વતીજીએ શિવજીને સ્થાનિક લોકોનું દુઃખ દૂર કરવા વિનંતી કરી. આથી ભગવાન શિવજીએ ધનના દેવતા કુબેરને અહી ભંડારી તરીકે સ્થાપિત કર્યા અને પોતે સ્વયં ‘કુબેરેશ્વર’ સ્વરૂપે બિરાજમાન થયા. ત્યારથી એવી લોકવાયકા છે કે અહી આવનાર કોઈપણ ભક્ત ક્યારેય ખાલી હાથે પાછો નથી જતો.

કુબેર ભંડારી મંદિરનું પૌરાણિક કથા
કુબેર ભંડારી મંદિર ભક્તો માટે અન્ન અને ધનનો ભંડાર ભરનારું તીર્થ ગણાય છે. અમાસ, સોમવતી અમાસ અને શ્રાવણ માસના દિવસે અહી દર્શનનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ લઘુરૂદ્ર પૂજન, મહાપૂજા અને અન્નકૂટના આયોજનો થાય છે.

ચાંદોદ કરનાળી: નર્મદા ત્રિવેણી સંગમનું પવિત્ર સ્થાન
કુબેર ભંડારી મંદિરની બિલકુલ નર્મદા નદીના પવિત્ર ત્રિવેણી સંગમ પર સ્થિત છે. નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ આ સ્થાનનું ધાર્મિક મહત્વ વધારે છે. શ્રદ્ધાળુઓ મંદિર દર્શન પહેલાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાકરે છે, ત્યારબાદ નર્મદા નદીનું જળ કળશમાં લઇ કુબેર ભંડારી મંદિરમાં બિરાજમાન શિવલિંગ પર અભિષેક કરે છે.

ત્રિવેણી સંગમ હોવાથી પિતૃતર્પણ, પિંડદાન, નારાયણબલી સહિત વિવિધ ધાર્મિક વિધિ કરવા માટે આ સ્થળ અતિ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ માસમાં આ સંગમ ઘાટ પર સ્નાન કરવાનું મહાત્મ્ય અનેકગણું વધી જાય છે.

કુબેર ભંડારી મંદિર કેવી રીતે પહોંચવું?
રસ્તા માર્ગે : વડોદરાથી કુબેર ભંડારી મંદિર લગભગ ૬૦ કિમી અને ડભોઇથી ૩૦ કિમીના અંતરે આવેલું છે. વડોદરા અને ડભોઇથી એસટી બસ તેમજ ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
રેલવે માર્ગે : નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન વડોદરા જંક્શન છે. ડભોઇ પણ નાનું રેલવે સ્ટેશન ધરાવે છે.
હવાઈ માર્ગે : સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા (વડોદરા એરપોર્ટ) છે.

કુબેર ભંડારી મંદિર આસપાસ દર્શનીય સ્થળો
કુબેર ભંડારી આવતા પ્રવાસીઓ આસપાસના અન્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ શકે છે:
સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) : અહીથી માત્ર ૫૦ કિમીના અંતરે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્થિત છે.
પોઇચા : કુબેર ભંડારી મંદિરની એકદમ સામે નદી પાર નિલકંઠ પોઇચા ધામ આવેલું છે. અહીં રાતે રંગબેરંગી લાઇટિંગમાં સુંદર કોતરણીવાળા મંદિરનો અદભૂત નજારો જોવા મળે છે.
ડભોઇનો કિલ્લો અને હીરા ભાગોળ: સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં અથવા રાજા રધવલ/વિશળદેવના સમયમાં કિલ્લાનું ભવ્ય નિર્માણ થયું હોવાનું મનાય છે. આ કિલ્લો તેની સુંદર કોતરણી, મજબૂત દરવાજા અને શિલ્પકળા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
વ્યાસબેટ, દત્તાત્રેય અને અનસૂયા મંદિર: ચાંદોદ નજીક નર્મદા કિનારે આવેલું વ્યાસબેટ, દત્તાત્રેય મંદિર અને અનસૂયા મંદિર સહિત ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
