અમદાવાદના ઓઢવ સ્થિત મહમદ કસાઈની ચાલીમાં જન્માષ્ટમીનો મંડપ બાંધવા મુદ્દે થયેલી સામાન્ય તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ગઈકાલે સાંજે ૦૭:૦૦ વાગ્યે બે જૂથ વચ્ચે ચપ્પુ અને લાકડાના દંડા વડે થયેલા ખૂની ખેલમાં બંને પક્ષે લોકો ઈજાગ્રસ્ત થતાં ઓઢવ પોલીસે અખિલેશ યાદવ અને તુષાર ડાભીની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે ચાર લોકોની ધરપકડ કરાયાની માહિતી સામે આવી છે.

૨૫ વર્ષીય અખિલેશ સંતરામ યાદવની ફરિયાદ મુજબ, સવારે મંડપ મુદ્દે કૃણાલ સાથે ઝઘડો થયો હતો. સાંજે તે ભાઈ અભિષેક, પિતા સંતરામ અને માતા સરોજબેન સાથે કારણ પૂછવા જતાં કૃણાલ ઉર્ફે ચિન્ટુ, તુષાર ડાભી, નિખિલ નાડિયા અને મનોજસિંહ ગોહિલે હુમલો કર્યો હતો. જેમાં કૃણાલે અખિલેશ અને તેના પરિવારજનો પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.
સામે પક્ષે ૨૩ વર્ષીય તુષાર કાન્તી ડાભીએ ફરિયાદ નોંધાવી કે, સવારની અદાવતમાં અખિલેશ, અભિષેક, સંતરામ અને સરોજબેને આવીને માસીના દીકરા કૃણાલને માર માર્યો હતો. વચ્ચે પડેલા તુષાર, નિખિલ અને કૃણાલ પર અખિલેશે ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જ્યારે અભિષેકે મનોજસિંહને લાકડાનો દંડો માર્યો હતો.
તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે શારદાબેન હોસ્પિટલ ખસેડાયા છે. ધીંગાણા દરમિયાન એક મહિલાને લાકડાના દંડાથી નિર્દયતાપૂર્વક માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે આ વીડિયો ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર

