કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) નો વ્યાપ વધારીને પીએફ કવરેજ માટે માસિક પગાર મર્યાદા ₹ ૧૫,૦૦૦ થી વધારીને ₹ ૨૫,૦૦૦ કરી છે. સરકાર આ યોજના પર દર વર્ષે લગભગ ૧૧,૩૩૯ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) નો વ્યાપ વધારીને પીએફ કવરેજ માટે માસિક પગાર મર્યાદા ૧૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશના ૫૧ લાખ કર્મચારીઓને ફાયદો થવાની અપેક્ષા છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે આ પગલાથી લાખો કર્મચારીઓની સામાજિક સુરક્ષા મજબૂત થશે, જ્યારે સરકાર આ યોજના પર દર વર્ષે લગભગ ૧૧,૩૩૯ કરોડ રૂપિયા ખર્ચ કરશે.
![]()
નોકરિયાત વર્ગને શું અસર થશે?
સરકારે પ્રોવિડન્ટ ફંડ (પીએફ)ની પગાર મર્યાદામાં વધારો કર્યો છે. આનો ફાયદો એ થશે કે હવે પહેલા કરતા વધુ કર્મચારીઓને પીએફ હેઠળ આવરી લેવામાં આવશે. ખાસ કરીને જેમનો પગાર અગાઉ ₹ ૧૫,૦૦૦ થી વધુ હોવાના કારણે ઈપીએફઓ થી વંચિત હતા.

આ કર્મચારીઓને નોકરી સાથે ભવિષ્ય માટે નિયમિતપણે બચત કરવાની તક આપશે. ઉપરાંત કંપનીઓએ વધુ કર્મચારીઓને ઔપચારિક સામાજિક સુરક્ષા લાભ પણ આપવો પડશે. આ ઈપીએફ કવરેજ વધારવા માટે સરકાર દર વર્ષે લગભગ ૧૧,૩૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

ઈપીએફઓ પગાર મર્યાદા છેલ્લે ક્યારે વધી હતી?
આ અગાઉ ૧૨ વર્ષ બાદ છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૪ માં ઈપીએફઓની વેતન મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો હતો, તે સમયે પીએફ કવરેજ માટે વેતન મર્યાદા વધારીને ૧૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી હતી. અગાઉ, આ મર્યાદા ૨૦૦૪ અને ૨૦૧૪ ની વચ્ચે યથાવત હતી.

સરકારે કહ્યું કે નવીનતમ સુધારણા વચ્ચેના સમયગાળામાં સતત વેતન વધારો, વધતી આવક અને ઔપચારિક રોજગારના વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે.

ઈપીએફઓ હાલમાં કર્મચારી ભવિષ્ય નિધિ, કર્મચારી પેન્શન યોજના અને કર્મચારી થાપણ સાથે જોડાયેલી વીમા યોજનાનું સંચાલન કરે છે.

ઈપીએફઓ ના તાજેતરના આંકડા મુજબ, સંસ્થાના લગભગ ૭.૬૮ લાખ યોગદાન સંસ્થાઓમાં લગભગ ૭.૯૮ કરોડ યોગદાન આપનારા સભ્યો છે, જ્યારે ઇપીએસ હેઠળ લગભગ ૮૨ લાખ લોકોને પેન્શનનો લાભ મળે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય અને ઈપીએફઓ હવે મંત્રીમંડળના નિર્ણયને અમલમાં મૂકવા માટે જરૂરી વૈધાનિક અને વહીવટી પગલાં લેશે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
