ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા (બાપુ) ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. નવ વર્ષના લાંબા સમય બાદ તેમની કોંગ્રેસમાં ઘરવાપસીની તૈયારીઓ ચાલી રહી હોવાની પુષ્ટિ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે.

શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવા આંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘શંકરસિંહ વાઘેલા સહિત અન્ય કેટલાક અગ્રણી નેતાઓને પક્ષમાં આવકારવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા ચાલુ છે. હાઇકમાન્ડ તરફથી લીલીઝંડી મળ્યા બાદ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવા અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.’
વધુમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં પણ ઘણા બધા લોકો ભાજપની સામે એક જૂથ થઈ કોંગ્રેસ જ એક જ વિકલ્પ છે તેવા નિર્ણય સાથે કોંગ્રેસમાં જોડાવા માટે વાતચીત ચાલી રહી છે. શંકરસિંહ વાઘેલા પણ ભાજપની નીતિઓ સામે જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યા છે અને લડત લડી રહ્યા છે. તેમની પાર્ટી પણ છે અને તેના લોકો સાથે પણ વાતચીત ચાલી રહી છે. આગામી સમયમાં ભાજપની જે તાનાશાહી છે તેની સામે તમામ તાકાતો એક થઈ ૨૦૨૭ માં પરિવર્તન લાવવાનો સંકલ્પ લઈ સાથે મળીને ચાલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં પણ ઘણાં લોકો અને નેતાઓ કોંગ્રેસ સાથે એક મંચ પર જોવા મળશે.’

શંકરસિંહ વાઘેલાએ વર્ષ ૨૦૧૭ માં પોતાના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પક્ષમાં મોટું વિભાજન સર્જ્યું હતું. હવે ૯ વર્ષ જેટલા લાંબા સમય બાદ ફરી એકવાર તેમની કોંગ્રેસમાં વાપસી થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
