મણિપુરમાં લાંબા સમય બાદ ફરી એકવાર લોકશાહી શાસનનો સૂર્યોદય થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે (૪ ફેબ્રુઆરી, ૨૦૨૬) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરી છે. આ આદેશ સાથે જ રાજ્યમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલા કેન્દ્રીય શાસનનો અંત આવ્યો છે. બીજી તરફ એનડીએ એ મણિપુરમાં સરકાર બનાવી છે.

લોકભવન ખાતે મણિપુર વિધાનસભા પક્ષના નેતા યુમનામ ખેમચંદ સિંહે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ લોકભવનમાં શપથ લેવડાવ્યા.

ગૃહ મંત્રાલયે આ મામલે બુધવારે (આજે) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે. આ નિર્ણય આજથી એટલે કે ૪ ફેબ્રુઆરી ૨૦૨૬ થી લાગુ થશે. નોટિફિકેશનના અનુસાર, બંધારણના અનુચ્છેદ ૩૫૬ ની કલમ (૨)ના હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને મણિપુર રાજ્યમાં ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને રદ કરી છે. આ આદેશ સાથે રાજ્યમાં કેન્દ્રીય શાસનની વ્યવસ્થાનો અંત આવ્યો છે. બીજી તરફ યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં એનડીએ પ્રતિનિધિમંડળે લોકભવનમાં રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા યુમનામ ખેમચંદ સિંહ(મેતૈઈ સમુદાય) આજે સાંજે 6:00 વાગ્યે મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ શપથગ્રહણ સમારોહ લોક ભવન ખાતે યોજાયા. તેમની સાથે અન્ય પાંચ મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે, જેમાં બે નાયબ મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે:

• નેમચા કિપગેન: નાયબ મુખ્યમંત્રી (કુકી સમુદાય)
• લોસી દિખો: નાયબ મુખ્યમંત્રી (નાગા સમુદાય)
