સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ પોતાના મોનેટાઇઝેશન સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે પ્લેટફોર્મ પર નીચી ગુણવત્તાવાળા અને ક્લિકબેટ કન્ટેન્ટથી કમાણી કરવી સહેલી નહીં રહે. એલોન મસ્ક દ્વારા લેવાયેલો આ નિર્ણય કન્ટેન્ટની ગુણવત્તા સુધારવા માટે લેવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ હવે ઓરિજિનલ અને વેલ્યુ આપતા કન્ટેન્ટને વધુ પ્રાથમિકતા મળશે. આથી ક્રિએટર્સને વધુ સારું કન્ટેન્ટ બનાવવા પ્રોત્સાહન મળશે અને પ્લેટફોર્મ પર સ્પેમ અને ફાલતૂ પોસ્ટમાં ઘટાડો થશે.

X લાંબા સમયથી એંગેજમેન્ટ ફાર્મિંગને લઈને ટીકા સહન કરી રહ્યું હતું, જ્યાં લોકો માત્ર વ્યૂઝ અને લાઇક્સ વધારવા માટે નીચી ગુણવત્તાવાળા અથવા વાયરલ વિડિયો પોસ્ટ કરતા હતા. હવે પ્લેટફોર્મે આવા કન્ટેન્ટને ડાઉનરૅન્ક કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના પ્રોડક્ટ હેડ નિકિતા બિયરે જણાવ્યું કે હવે સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે કે જેમાં અસલી અને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનારા યુઝર્સને યોગ્ય ઓળખ મળી શકે. એનો હેતુ એ છે કે મહેનત કરીને નવું કન્ટેન્ટ બનાવનાર લોકોને વધુ ફાયદો મળે, અને માત્ર બીજા લોકોનું કન્ટેન્ટ શેર કરીને તેને વાયરલ બનાવનારા લોકોને નહીં.

નવા અપડેટ હેઠળ X પોતાના રેવન્યુ શેરિંગ પ્રોગ્રામમાં ફેરફાર કરી રહ્યું છે. હવે પ્લેટફોર્મ તે ક્રિએટર્સને વધુ રિવોર્ડ આપશે, જે ઓરિજિનલ અને હાઇ-ક્વોલિટી કન્ટેન્ટ બનાવે છે. નિકિતા બિયર મુજબ, કંપની એવા ટૂલ્સ પર કામ કરી રહી છે જે કન્ટેન્ટના અસલી ક્રિએટર ઓળખી શકે અને તેમને સીધો રેવન્યુમાં ભાગ આપી શકે.

આનો અર્થ એ છે કે હવે માત્ર રીપોસ્ટ અથવા કમેન્ટરીથી કમાણી મર્યાદિત થઈ શકે છે. સાથે જ, અગાઉ રિપ્લાય પર મળતા વ્યૂઝને પણ ગણતરીમાં લેવામાં આવતા હતા, પરંતુ હવે તેને મોનેટાઇઝેશનમાંથી દૂર કરવામાં આવ્યા છે જેથી રિપ્લાય સ્પેમને રોકી શકાય.

પ્લેટફોર્મ પર કમાણી કરવા માટે હવે યુઝર્સને કેટલીક મહત્ત્વપૂર્ણ શરતો પૂર્ણ કરવી પડશે. X મુજબ, ક્રિએટરે પ્રીમિયમ અથવા પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રિપ્શન લેવું પડશે અને ઓછામાં ઓછા ૫૦૦ ફોલોઅર્સ હોવા જરૂરી છે.

આ સાથે જ, છેલ્લા ત્રણ મહિનામાં ૫ મિલિયન ઓર્ગેનિક ઇમ્પ્રેશન્સ મેળવવા ફરજિયાત રહેશે. કંપનીના જણાવ્યા મુજબ, હોમ ટાઇમલાઇન પર મળતા ઓર્ગેનિક વ્યૂઝને વધુ મહત્ત્વ આપવામાં આવશે. વેરિફાઇડ યુઝર્સ અને પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રાઇબર્સના વ્યૂઝને વધુ મહત્ત્વ આપવામાં આવશે. જોકે, એક પ્રસ્તાવ જેમાં લોકલ રીજનના વ્યૂઝને વધુ મહત્ત્વ આપવાની વાત હતી, તેને હાલ માટે એલોન મસ્ક એ અટકાવી દીધો છે.
