આમ આદમી પાર્ટી માટે આ અઠવાડિયું “ઓપરેશન લોટસ”નો મોટો ઝટકો સાબિત થયું છે. ૨૪ એપ્રિલે રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આપ ના ૧૦ રાજ્યસભા સાંસદોમાંથી ૭ સાંસદોએ એકસાથે ભાજપમાં વિલય કર્યો છે. બે-તૃતીયાંશ સંખ્યા હોવાથી તેઓ એન્ટી-ડિફેક્શન કાયદાથી બચીને પોતાની સીટ જાળવી શક્યા છે. આ પહેલા પણ, ફેબ્રુઆરી ૨૦૨૫ ની દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં ૮ આપ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા, જેના કારણે પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો.

આ સ્થિતિમાં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે આવા ફેરફારો મુખ્યત્વે દિલ્હીમાં જ કેમ જોવા મળ્યા. આપ પાસે પંજાબ, ગુજરાત અને ગોવા જેવા રાજ્યોમાં પણ ધારાસભ્યો છે, છતાં અત્યાર સુધી ત્યાંથી મોટા પાયે બાગી થવાના સ્પષ્ટ સમાચાર સામે આવ્યા નથી. તાજેતરમાં ૭ રાજ્યસભા સાંસદોના ભાજપમાં જોડાયા બાદ ખાસ કરીને પંજાબમાં ચર્ચાઓ વધી છે કે કેટલાક ધારાસભ્યો સંપર્કમાં હોઈ શકે છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

તો આવો સમજીએ કે આ બાગી થવાના પાછળ શું કારણો હોઈ શકે, તેમાં રાજકીય દબાણ, તપાસ એજન્સીઓની ભૂમિકા, ભાજપને મળતો ફાયદો અને આપ ને થતું નુકસાન – આ બધાનું વિગતવાર વિશ્લેષણ કરીએ.
)
રાજ્યસભાના ૭ બાગી સાંસદો કોણ છે અને કેમ ગયા?
રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, અશોક કુમાર મિત્તલ, સંદીપ પાઠક, રાજિંદર ગુપ્તા અને વિક્રમજીત સિંહ સાહની, આ સાતેય આપ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. તેમાંથી ૬ સાંસદ પંજાબના છે. રાઘવ ચઢ્ઢાના કહેવા મુજબ, પાર્ટી હવે પોતાના મૂળ સિદ્ધાંતોમાંથી દૂર જઈ રહી છે અને તેમાં અસત્ય, ભ્રષ્ટાચાર અને વ્યક્તિગત લાભનું પ્રભાવ વધ્યું છે. તેમના મુજબ તેમણે વર્ષો સુધી પાર્ટીને સમય આપ્યો, પરંતુ હાલની પરિસ્થિતિમાં રહેવું યોગ્ય નહોતું, તેથી તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો.

ઇડી-સીબીઆઈના દરોડા
બીજી તરફ, અશોક કુમાર મિત્તલના ભાજપમાં જોડાવાના થોડા દિવસો પહેલા ઇડી દ્વારા તેમની સાથે જોડાયેલા સ્થળોએ મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરવામાં આવી હતી. આ ઘટનાએ રાજકીય ચર્ચાને વેગ આપ્યો કે તપાસ અને રાજકીય નિર્ણય વચ્ચે કોઈ જોડાણ છે કે નહીં.
રાઘવ ચઢ્ઢાનું નામ પણ દિલ્હી લિકર પોલિસી કેસની ચાર્જશીટમાં આવ્યું હતું, જેના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. આ મુદ્દે રાજકીય તણાવ વધ્યો હતો અને વિરોધ પક્ષે આરોપ લગાવ્યો હતો કે તપાસ એજન્સીઓનો ઉપયોગ રાજકીય દબાણ માટે થઈ રહ્યો છે.
આમ આદમી પાર્ટીએ આ સમગ્ર ઘટનાક્રમને “ઓપરેશન લોટસ” સાથે જોડ્યો છે. પાર્ટીનો દાવો છે કે ભાજપ ઇડી અને સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને પોતાના વિરોધી નેતાઓ અને ઉદ્યોગપતિઓ પર દબાણ બનાવે છે, જેથી તેઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ જાય. જોકે, આ આરોપોને ભાજપે નકારી કાઢ્યા છે.

પાર્ટી છોડવાના અલગ અલગ કારણો
કેટલાક નેતાઓએ પાર્ટી છોડવાનું કારણ વ્યક્તિગત અનુભવ અને આંતરિક પરિસ્થિતિઓને પણ ગણાવ્યું છે. સ્વાતિ માલીવાલે પોતાના પર થયેલી કથિત અવગણના અને હુમલાના મુદ્દાને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના કારણે પાર્ટીમાં આંતરિક તણાવ વધ્યો.
હરભજન સિંહ, રાજિંદર ગુપ્તા અને વિક્રમજીત સિંહ સાહની જેવા નેતાઓનું કહેવું છે કે પાર્ટીમાં નિર્ણય લેવાની પ્રક્રિયા ખૂબ જ કેન્દ્રીત બની ગઈ છે. તેમના મુજબ થોડા જ લોકો મહત્વના નિર્ણયો લે છે, જેના કારણે અન્ય નેતાઓને પૂરતું સ્થાન મળતું નથી.

રાજકીય દૃષ્ટિકોણ
આ સમગ્ર પરિસ્થિતિને કારણે એક તરફ તપાસ એજન્સીઓના ઉપયોગના આરોપો ચર્ચામાં છે, તો બીજી તરફ પાર્ટીમાં આંતરિક અસંતોષ અને નેતૃત્વ શૈલી અંગેના પ્રશ્નો પણ સામે આવ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પરિવર્તન માત્ર એક કારણથી નહીં પરંતુ અનેક પરિબળોના સંયોજનથી થયું છે.
આપ શરૂઆતમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી હતી, પરંતુ હવે “શીશ મહેલ” વિવાદો, પંજાબ સરકાર પ્રત્યેનો અસંતોષ અને આંતરિક લોકશાહી અંગેના પ્રશ્નો તેને તેની મૂળ વિચારધારાથી દૂર લઈ ગયા છે.

ધારાસભ્યોના બદલાવનો પ્રભાવ
ફેબ્રુઆરી ૨૦૨૫ ની દિલ્હી ચૂંટણી પહેલાં ૮ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા, જેમણે ટિકિટ વિતરણમાં અસંતોષ, પાર્ટીમાં વધતું કેન્દ્રીકરણ અને વિચારધારાથી દૂર જવાનું કારણ જણાવ્યું હતું. આ બદલાવની સીધી અસર ચૂંટણી પરિણામ પર પડી અને ભાજપને લાભ મળ્યો જ્યારે આપ ને નુકસાન થયું.

ભાજપ ને કેટલો ફાયદો?
રાજ્યસભામાં આ ફેરફારથી ભાજપની સંખ્યા ૧૧૩ સુધી પહોંચી ગઈ છે અને એનડીએ નું કુલ સમર્થન ૧૪૨ થયું છે, જે બહુમતીથી વધુ છે. આથી સંસદીય કામકાજ અને કાયદા પસાર કરવામાં પાર્ટીને વધુ સરળતા મળશે.
પંજાબમાં પણ ભાજપને વ્યૂહાત્મક લાભ મળવાની શક્યતા છે, કારણ કે આપ ના ૬ પંજાબી સાંસદો જોડાવાથી ત્યાં પાર્ટીની સંગઠન શક્તિ નબળી પડી શકે છે. આ સ્થિતિ ૨૦૨૭ ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં વધુ રાજકીય તોડફોડ માટે તક ઊભી કરી શકે છે.
આ ઉપરાંત, ૨૦૨૯ ની લોકસભા ચૂંટણી પર પણ તેની અસર જોવા મળી શકે છે. પંજાબની ૧૩ બેઠકો અને દિલ્હીની ૭ બેઠકો પર રાજકીય સમીકરણ બદલાઈ શકે છે. ભાજપ આ ઘટનાને “ક્લીન પોલિટિક્સ” અને “આપ ના ઘટાડા”ના નેરેટિવ તરીકે રજૂ કરી શકે છે.

આપ ને મોટું નુકસાન
આ ફેરફારથી આમ આદમી પાર્ટીને મોટું રાજકીય નુકસાન થવાની શક્યતા છે. રાજ્યસભામાં હવે માત્ર ૩ સાંસદો જ બાકી રહ્યા છે, જેના કારણે કેન્દ્ર સ્તરે પાર્ટીની હાજરી અને અસરકારકતા ઘણી ઘટી ગઈ છે. દિલ્હીમાં પણ વિરોધ પક્ષ તરીકે પાર્ટીની સ્થિતિ પહેલેથી જ નબળી માનવામાં આવે છે.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
