વિપક્ષના આરોપ અને આંકડાની માયાજાળ

દેશના આર્થિક વિકાસને દર્શાવતા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ને લગતા નવા આંકડાએ હાલમાં મોટો રાજકીય વિવાદ છેડ્યો છે. એક તરફ સરકાર એપ્રિલ-જૂન ક્વાર્ટરના ૭.૮ % વૃદ્ધિદરને પોતાની મોટી સફળતા ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષ અને સરકારના જ એક ભૂતપૂર્વ નાણા સચિવે આ આંકડાઓને વાસ્તવિકતાથી જોજનો દૂર ગણાવ્યા છે. શું આ ખરેખર મજબૂત અર્થતંત્રની નિશાની છે, કે પછી માત્ર આંકડાકીય જાદુગરી?

કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગના નિવેદનને ટાંકીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગર્ગના મતે, સરકારનો ૭.૮ % જીડીપી વૃદ્ધિનો દાવો પોકળ છે અને વાસ્તવિક વૃદ્ધિ ૨.૬ % ની આસપાસ જ છે. તેમણે ખુલાસો કર્યો છે કે ગયા વર્ષના જીડીપી આંકડામાં ૬ ટ્રિલિયન રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડાને કારણે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરનો ગ્રોથ ૧૦.૩ % જેટલો ઊંચો દેખાઈ રહ્યો છે. જો ગયા વર્ષના આંકડામાં આ સુધારો ન કરાયો હોત, તો વર્તમાન ભાવે વૃદ્ધિ માત્ર ૨.૬ % જ હોત.

આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘સરકાર ભલે મીડિયા અને આંકડાકીય ચાલાકીથી વાહવાહી લૂંટે, પરંતુ પીઆર (પબ્લિક રિલેશન્સ) માત્ર જીડીપી નું ચિત્ર બદલી શકે, અર્થતંત્રનું નહીં. સરકાર વાસ્તવિકતા સ્વીકારીને નોકરીઓનું સર્જન કરે, એમએસએમઇ અને ખાનગી રોકાણને વેગ આપે, આર્થિક અસમાનતા ઘટાડવા અને ક્રોની કેપિટલિઝમ અટકાવે’
નોંધનીય છે કે, ક્રોની કેપિટલિઝમ એટલે એવી આર્થિક વ્યવસ્થા જેમાં વેપાર કે ઉદ્યોગની સફળતા બજારની મુક્ત હરીફાઈ, મહેનત કે ઉત્પાદનની ગુણવત્તા પર નહીં, પરંતુ ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ કે સરકાર વચ્ચેની સાંઠગાંઠ પર આધારિત હોય.
જયરામ રમેશે કટાક્ષ કરતા કહ્યું કે, જે જીડીપી ના આંકડા રજૂ કરીને વડાપ્રધાન મોદી દેશવાસીઓને ફટાકડા ફોડીને દિવાળી ઉજવવાનું કહી રહ્યા છે, તે આંકડા પર તેમના પોતાના જ ભૂતપૂર્વ નાણા સચિવે ગંભીર સવાલો ઊભા કર્યા છે. એવી જ રીતે, કોંગ્રેસ નેતા પવન ખેરાએ પણ કહ્યું કે, સામાન્ય માણસની વાસ્તવિકતા (મોંઘવારી, ઘટતી બચત, બેરોજગારી અને વધતું દેવું) જોતાં આ ૨.૬ % નો આંકડો વધુ સાચો લાગે છે. તેમણે સરકાર પાસે જવાબ માંગ્યો છે કે ગયા વર્ષના આંકડા કેમ ઘટાડવામાં આવ્યા?

કોંગ્રેસે આ આંકડાને ‘આંકડાકીય જિમ્નેસ્ટિક્સ’અને ‘ફેક ઇન ઇન્ડિયા’ ગણાવ્યા છે. જયરામ રમેશે કહ્યું કે, સરકારના મતે નોમિનલ અને વાસ્તવિક જીડીપી વચ્ચે માત્ર ૨.૩ % નો તફાવત છે, જ્યારે આ જ સમયગાળામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક ફુગાવો ૯ % થી વધુ હતો. આ મોટી વિસંગતતા દર્શાવે છે કે સાચો ગ્રોથ ઘણો ઓછો છે. સરકારે આ વર્ષે ગણતરીની પદ્ધતિ બે વાર બદલી છે અને ડબલ્યુપીઆઈ નો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. કોંગ્રેસના મતે, આ ૭.૮ % નો ગ્રોથ માત્ર નિરાશાજનક રોકાણ ભાવનાને છુપાવવાનો પ્રયાસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭.૮ % વૃદ્ધિદરને ‘ભવ્ય સિદ્ધિ’ ગણાવી છે. ઈરાન યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ ૮.૬ % ઘટી હતી, પરંતુ તે પછી અપેક્ષા કરતા સારો સુધારો જોવા મળ્યો છે.
વડાપ્રધાનના આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે આંકડાઓમાં છેડછાડના આરોપોને ફગાવી દેતા કેટલીક વિગતો આપી છે.
પૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગે સ્પષ્ટ કર્યું છે કે ૨૦૨૫-૨૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે નવી શ્રેણીમાં વાસ્તવિક જીડીપી ડેટા ઉપલબ્ધ નહોતો. સરકારે જે વર્તમાન ભાવો પર ‘નાટ્યાત્મક સુધારો’ કર્યો છે તેના કારણે જ ગ્રોથ ૧૦.૩ % દેખાઈ રહ્યો છે. જો આધાર બદલ્યા વિના સરખામણી કરવામાં આવે તો વર્તમાન ભાવે ગ્રોથ ૨.૫ % કરતા પણ ઓછો છે. આથી જ આ ૭.૮ % ના આંકડાને આંખ બંધ કરીને માની લેવા સામે તેમણે ચેતવણી આપી છે.

સુભાષ ચંદ્ર ગર્ગ ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન કેન્દ્ર સરકારમાં આર્થિક બાબતોના સચિવ અને ત્યારબાદ નાણા સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર

