ઝેરી દારૂ પીવાથી ૯ લોકોના મોત, ૫ ની હાલત ગંભીર.

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી દારુ પીવાથી ૯ લોકોના મોત થયા છે અને ઘણા લોકોની હાલત ગંભીર છે. નોંધનિય છે કે, ઓગસ્ટમાં ગુજરાતના ભાવનગર જિલ્લામાં નકલી દારુ પીવાથી ૧૩ લોકોના મોત થયા હતા.


મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બંડા તાલુકાના ચાર ગામોમાં શનિવાર રવિવારની મધ્યરાત્રિએ કથિત નકલી દારૂ પીવાથી ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. સાગરના ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર (CMHO) દેવેશ પટેરિયાએ બંડામાં પત્રકારોને જણાવ્યું હતું કે નકલી દારૂ પીવાથી ૯ થી ૧૦ લોકોના મોત થયા છે. પાંચ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સાગર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

ઓગસ્ટમાં ગુજરાતના ભાવનગર જિલ્લામાં નકલી દારુ પીવાથી ૧૩ લોકોના મોત થયા હતા. ગુજરાતમાં લઠ્ઠાકાંડના થોડાક દિવસો બાદ પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ લઠ્ઠાકાંડની ઘટના બની છે.

સાગરના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રતિભા પાલે પત્રકારોને જણાવ્યું હતું કે, તે જરૂરી નથી કે ઝેરી દારૂ પીવાના કારણે મોત થયા હોય. “કેટલાક લોકો બીમાર પડ્યા છે અને કેટલાકનું મૃત્યુ થયું છે. સિવિલ હોસ્પિટલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. નૌરાજ અને ઘૂધર સહિતના ઓળખાયેલા વિસ્તારોમાં ડોકટરો અને અધિકારીઓની નિરીક્ષણ ટીમો તૈનાત કરવામાં આવી છે. ”

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
