રાજકોટના મેટોડા ૧૦૮ ની ટીમે કાદવ-કીચડ વચ્ચે ૫૦૦ મીટર દોડીને પ્રસૂતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો

રાજકોટ જિલ્લાના મેટોડા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા અને હિંમત દાખવીને પ્રસૂતા અને નવજાત બાળકને સમયસર તબીબી સારવાર પહોંચાડી હતી. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ વહેલી સવારે આશરે ૦૭:૦૦ વાગ્યે મોટાવડા ગામના વાડી વિસ્તારમાંથી પ્રસૂતિનો ઇમરજન્સી કોલ ૧૦૮ ને મળ્યો હતો.

કોલ મળતાં જ ૧૦૮ ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. જોકે, વાડી વિસ્તાર તરફ જવાનો રસ્તો અત્યંત ખરાબ અને કાદવવાળો હોવાથી એમ્બ્યુલન્સ આગળ જઈ શકી નહોતી અને રસ્તામાં જ ફસાઈ ગઈ હતી. બીજી તરફ, સગર્ભાને પ્રસૂતિની તીવ્ર પીડા થઈ રહી હતી. કોલર દ્વારા જાણ કરવામાં આવી હતી કે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ ઘરે બાળકનો જન્મ થઈ ગયો છે.

પરિસ્થિતિની ગંભીરતા સમજીને ૧૦૮ ના ઈ.એમ.ટી. વ્યોમા ભીલવાળા અને પાયલોટ મહેશભાઈ વઘેરા જરૂરી સાધનસામગ્રી લઈને એમ્બ્યુલન્સથી આશરે ૫૦૦ મીટરનું અંતર દોડીને વાડી વિસ્તાર સુધી પહોંચ્યા હતા.

સ્થળ પર પહોંચ્યા બાદ ઈ.એમ.ટી. દ્વારા નવજાત બાળકને જરૂરી આપવામાં આવી હતી. સાથે જ માતાની સ્થિતિનું મૂલ્યાંકન કરીને જરૂરી ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

વાડી વિસ્તારથી એમ્બ્યુલન્સ સુધી વાહન લઈ જવાનો રસ્તો ન હોવાથી માતા અને નવજાત બાળકને બળદગાડા મારફતે એમ્બ્યુલન્સ સુધી સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બંનેને વધુ સારવાર માટે સીએચસી લોધિકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ૧૦૮ ની ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં સમયસર નિર્ણય લઈને અને સ્થળ સુધી દોડી જઈને માતા તથા નવજાત બાળકને જરૂરી તબીબી સારવાર પહોંચાડી હતી.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
