કેવડિયામાં ભવ્ય એકતા પરેડ, SOU પર પુષ્પાંજલિ અર્પણ કરશે પીએમ મોદી.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે કેવડિયા (એકતાનગર) ખાતે ઉપસ્થિત છે. આજે પ્રવાસના બીજા દિવસે, વડાપ્રધાન મોદી એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.

વડાપ્રધાન મોદીનો આજનો દિવસ સંપૂર્ણપણે રાષ્ટ્રીય એકતા અને તાલીમાર્થીઓ સાથેના સંવાદને સમર્પિત રહેશે:
- સવારે ૦૮:૧૦: સરદાર પટેલની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને પુષ્પાંજલિ અર્પણ કરશે.
- સવારે ૦૮:૧૫ થી ૧૦:૩૦: એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને રાષ્ટ્રને સંબોધન કરશે.
- સવારે ૧૦:૪૫: ‘આરંભ ૭.૦’ ના સમાપનમાં તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.
- બપોરે ૧૨:૨૦: કેવડિયાથી વડોદરા જવા રવાના થશે.
- બપોરે ૦૧:૦૦ : વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

એકતાનગર ખાતે આજે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મુવિંગ પરેડ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે, જેમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી, તેમજ જમ્મુ-કાશ્મીર, પંજાબ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ટુકડીઓ સામેલ છે.

ઓપરેશન સિંદૂરના બીએસએફ ના ૧૬ પદક વિજેતા અને સીઆરપીએફ ના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં આ પરેડમાં જોડાશે. પરેડનું નેતૃત્વ ૧૦૦ જેટલા સભ્યોની હેરાલ્ડિંગ ટીમ કરશે. આ ઉપરાંત, ૯ બેન્ડ કન્ટીજન્ટ્સ કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવશે. ગુજરાતના બે રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બે સ્કૂલનું બેન્ડ ડિસ્પ્લે પણ યોજાશે.

એકતા પરેડ બાદ વડાપ્રધાન મોદી “આરંભ ૭.૦” ના સમાપન સમારોહમાં ભાગ લેશે, જે “શાસનની પુનઃકલ્પના” થીમ પર આધારિત છે. આ કાર્યક્રમમાં ભારતની ૧૬ અને ભૂટાનની ૩ સિવિલ સર્વિસીસના કુલ ૬૬૦ અધિકારી તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમની સાથે પીએમ મોદી સીધો સંવાદ કરશે.
