ભારત-રશિયા વચ્ચે એક મહત્ત્વની સંરક્ષણ ડીલની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભારત સરહદને વધુ મજબૂત કરવા માટે રશિયા પાસેથી વધુ પાંચ નવા એસ-૪૦૦ એર ડિફેન્સ ખરીદવાની તૈયારીમાં છે. જો ડીલ પર મહોર વાગી જશે તો ભારતના કાફલામાં કુલ ૧૦ એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ આવી જશે. મીડિયા રિપોર્ટ મુજબ ભારત રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવા માટે ઝડપી પ્રયાસો શરૂ કરી દીધા છે.

પહેલા ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા ૧૨ ફેબ્રુઆરીએ અનેક ઐતિહાસિક સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં ભારત રશિયા પાસેથી રૂ.૧૦,૦૦૦ કરોડના ખર્ચે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ માટે વધુ ૨૮૮ મિસાઇલો ખરીદવા પર મહોર મારવામાં આવી હતી. ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન એસ-૪૦૦ ની પ્રચંડ તાકાત જોઈને સમગ્ર વિશ્વ દંગ રહી ગયું હતું, ત્યારે આ નવી ખરીદી ભારતની આકાશી સરહદોને એક મજબૂત કિલ્લામાં ફેરવી દેશે.

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન એસ-૪૦૦ સિસ્ટમે પાકિસ્તાની વિમાનો અને તેમના સૈન્ય મથકો પર જે રીતે સચોટ પ્રહાર કર્યા હતા, તેનાથી ભારતીય સેનાના આત્મવિશ્વાસમાં મોટો વધારો થયો છે. એ સમયે આ સિસ્ટમે સરહદ પાર ૩૧૪ કિમી સુધી ઊંડે જઈને હુમલો કરી પાકિસ્તાનને પોતાનું એરબેઝ ખસેડવા મજબૂર કરી દીધું હતું. આ ભવ્ય સફળતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હવે એસ-૪૦૦ ના વધુ ૫ સ્ક્વોડ્રન અને રશિયા પાસેથી ‘પેન્ટસર'(Pantsir) શોર્ટ રેન્જ સિસ્ટમ ખરીદવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જો આ સોદો સફળ થશે, તો ભવિષ્યમાં ભારત પાસે એસ-૪૦૦ ના કુલ ૧૦ સ્ક્વોડ્રન હશે, જે કોઈપણ ડ્રોન કે મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવીને દેશની સુરક્ષાને અભેદ્ય બનાવશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/S-400-Missile-System-2.jpg)
એસ-૪૦૦ સિસ્ટમ રશિયાએ બનાવી છે. પરંતુ ભારતે કૌશલ્યપૂર્વક તેનો ઉપયોગ કરતાં રશિયા પણ દંગ બન્યું હતું. હાલના સંઘર્ષોમાં લાંબા અંતરના હવાઈ હુમલાનો ઉલ્લેખ ઘણો ઓછો છે. ફેબ્રુઆરી, ૨૦૨૪ માં યુક્રેને રશિયાનું એ-૫૦ જાસૂસી વિમાન ૨૦૦ કિમીના અંતરેથી તોડી પાડવાનો દાવો કર્યો હતો. ૨૦૨૨ માં રશિયાએ યુક્રેનનું એસયુ-૨૭ ૧૫૦ કિમીના અંતરે ટાર્ગેટ બનાવ્યું હતું. પરંતુ ભારતનો ૩૦૦ કિમીનો આ હુમલો અભૂતપૂર્વ રહ્યો હતો. અત્યાર સુધીમાં ભારત પાસે રશિયાએ બનાવેલી પાંચ એસ-૪૦૦ સિસ્ટમ છે, જેમાંથી ત્રણ ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન સરહદ પર તૈનાત છે.

એસ-૪૦૦ ની અન્ય ખાસિયત
- આ સિસ્ટમમાં ચાર જાતની મિસાઇલનો સમાવેશ કરવામાં આવે છે.
- આ સિસ્ટમ દ્વારા લોન્ગ રેન્જની મિસાઇલ ૪૦૦ કિમીની રેન્જ ધરાવે છે.
- મિડિયમ રેન્જની મિસાઇલ હોય તો ૨૫૦ કિલોમીટરની રેન્જ અને શોર્ટ રેન્જ હોય તો ૧૨૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે.
- ત્રણેય મિસાઇલ સાથે ક્લોઝ રેન્જની મિસાઇલ પણ આવે છે.
- આ મિસાઇલ ૪૦ કિલોમીટરની અંદરના ટાર્ગેટને દૂર કરવા માટે સક્ષમ છે.
- આ સિસ્ટમમાં ઍડ્વાન્સ રડાર સિસ્ટમ છે. ૯૨N૬E ગ્રેવસ્ટોન ટ્રેકિંગ રડાર અને ૯૬L૬ ચીઝબોર્ડ એક્વિઝિશન રડારની મદદથી ૩૬૦ ડિગ્રીનું પ્રોટેક્શન મળે છે.
- આ સિસ્ટમ ૬૦૦ કિલોમીટર દૂરથી ટાર્ગેટને શોધી કાઢે છે.
- આ સિસ્ટમ એક સમયે ૩૦૦ ટાર્ગેટને શોધી કાઢે છે અને ૩૬ ટાર્ગેટનો એક સાથે ખાતમો કરી શકે છે.
- આ સિસ્ટમને દરેક સંજોગોમાં કામ કરી શકે એ રીતે બનાવવામાં આવી છે.
- ઈલેક્ટ્રોનિક સિગ્નલ માટે જેમર લગાવવામાં આવ્યા હોય તો પણ આ સિસ્ટમ એ તોડીને કામ કરી શકે છે.
- આ સિસ્ટમને ટ્રક પર લગાવવામાં આવી છે અને એ રોડ પર ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઓફ-રોડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.
- આ સિસ્ટમ જ્યારે ચાલી રહી હોય ત્યારે એને અટેક માટે તૈયાર કરવા માટે ફક્ત પાંચ મિનિટનો સમય લાગે છે.
- સ્ટેન્ડબાય મોડ પર હોય ત્યારે એ ફક્ત ૩૫ સેકન્ડ્સમાં અટેક કરી શકે છે.

રશિયા દ્વારા એસ-૪૦૦ને ૧૯૮૦ ના દાયકામાં બનાવવાનું શરુ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમનો પહેલી વાર ટેસ્ટ ૧૯૯૯ માં કરવામાં આવ્યો હતો. રશિયા દ્વારા પહેલી વાર એને ૨૦૦૧ માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ એમાં જે સુધારા જરૂરી લાગે એ કરવામાં આવ્યાં અને ૨૦૦૭ માં એનું પ્રોડક્શન શરુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી રશિયા આર્મ ફોર્સ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. રશિયાની સાથે અન્ય દેશો પાસે પણ આ સિસ્ટમ છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
