અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સામેલ અને વિશ્વના સૌથી મોટા અમેરિકન યુદ્ધજહાજ ‘યુ.એસ.એસ. ગેરાલ્ડ આર. ફોર્ડ’ (સીવીએન-૭૮)માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.

રાતા સમુદ્રમાં તૈનાત આ વિશાળ એરક્રાફ્ટ કેરિયરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટના યુદ્ધ સાથે સંબંધિત નથી તેમ અમેરિકન નેવીએ સ્પષ્ટ કર્યું છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ૧૨ માર્ચના રોજ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાના અલ વજહના કિનારા પાસે આ યુદ્ધજહાજ પર આગ લાગી હતી. આગની શરૂઆત જહાજના મેઈન લોન્ડ્રી વિસ્તારમાંથી થઈ હતી. આ અકસ્માતમાં અમેરિકાના બે સૈનિકો સામાન્ય દાઝ્યા છે, જેમને હાલ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું અને ઈજાઓ જીવલેણ ન હોવાનું નેવી દ્વારા જણાવાયું છે.

અમેરિકાએ દાવો કર્યો છે કે, આ આગને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે જહાજના મુખ્ય એન્જિન ગણાતા પ્રોપલ્શન પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી. આ એરક્રાફ્ટ કેરિયર અત્યારે સંપૂર્ણપણે ચાલુ સ્થિતિમાં છે અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યું છે. આ યુદ્ધજહાજ સાથે અન્ય ત્રણ સહાયક જહાજો – યુ.એસ.એસ. મહાન, યુ.એસ.એસ. બેનબ્રિજ અને યુ.એસ.એસ. વિન્સ્ટન એસ. ચર્ચિલ પણ તૈનાત છે.

‘યુ.એસ.એસ. ગેરાલ્ડ આર. ફોર્ડ’ વિશ્વની સૌથી મોટું અને મોંઘુ એરક્રાફ્ટ કેરિયર છે. તેની લંબાઈ ૩૩૩ મીટર છે અને તેનું વજન આશરે ૧ લાખ ટન છે. તે ન્યુક્લિયર પાવર્ડ જહાજ છે, જેમાં બે એ૧બી ન્યુક્લિયર રિએક્ટર લાગેલા છે. આ જહાજ ૯૦ થી વધુ ફાઈટર જેટ્સ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ જહાજ બનાવવાનો ખર્ચ આશરે ૧૩ અબજ ડોલર થયો છે, જે તેને દુનિયાનું સૌથી મોંઘું યુદ્ધજહાજ બનાવે છે.
