આરએસએસ ની નોંધણી કેમ નથી થઈ? કોંગ્રેસ નેતાના સવાલ પર મોહન ભાગવતે શું આપ્યો જવાબ? જાણો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાનૂની સ્થિતિ, વિવાદ અને ઇતિહાસ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) રજીસ્ટ્રેશન કેમ નથી કરાવતું? આ મુદ્દો ફરી એકવાર રાજકીય વિવાદનો વિષય બન્યો છે. કોંગ્રેસના નેતા પ્રિયાંક ખડગેએ સવાલ ઉઠાવ્યો છે કે ભારતનું સૌથી મોટું સામાજિક-સાંસ્કૃતિક સંગઠન રજીસ્ટ્રેશન વગર કેમ કામ કરી રહ્યું છે. તેમણે સંગઠનના ફંડિંગ, ટેક્સ કમ્પ્લાયન્સ અને ઓડિટની જરૂરિયાત અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

જોકે આરએસએસ એ આના જવાબમાં દાયકાઓ જૂની દલીલને ફરીથી દોહરાવી રહ્યું છે કે, કાનૂની રીતે રજીસ્ટ્રેશનની કોઈ જરૂર નથી અને અદાલતો તેમજ સરકારો દ્વારા સંગઠનના અસ્તિત્વ અને કાયદેસરતાને વારંવાર માન્યતા આપવામાં આવી જ છે.
ગયા વર્ષે ૯ નવેમ્બરે બેંગલુરુમાં એક વ્યાખ્યાન શ્રેણી દરમિયાન તે સમયે પણ ખડગેને જવાબ આપતાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આ વિવાદને એક પતી ગયેલો મામલો ગણાવીને ફગાવી દીધો હતો.

આરએસએસ ની શરૂઆત ૧૯૨૫ માં થઈ હતી. તો શું તમે અમારી પાસે એવી અપેક્ષા રાખો છો કે અમે બ્રિટિશ સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવીએ, જેમના વતી અમારા સરસંઘચાલક તે સમયે લડી રહ્યા હતા?
તેમણે દલીલ કરી હતી કે ભારતીય કાયદો વ્યક્તિઓના મંડળો માટે નોંધણી ફરજિયાત બનાવતો નથી અને આરએસએસ વ્યક્તિઓના સમૂહ (બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ) તરીકે કાનૂની માન્યતા ધરાવે છે. તેમણે પુરાવા તરીકે ટેક્સની બાબતોમાં કોર્ટના ચુકાદાઓ, સંગઠન પર ત્રણ વખત લાદવામાં આવેલા પ્રતિબંધો અને ધારાસભાઓમાં આરએસએસ ના વારંવાર થતા ઉલ્લેખો તરફ ઈશારો કર્યો હતો.
જો કે, આ સવાલ હજુ પણ યથાવત છે કારણ કે ભારતીય જાહેર જીવનમાં આરએસએસ એક અનોખું સ્થાન ધરાવે છે. તે દેશનું સૌથી મોટું સ્વૈચ્છિક સંગઠન છે, જે એક સદીથી અસ્તિત્વમાં છે, હજારો દૈનિક શાખાઓ ચલાવે છે અને એક એવા વિશાળ નેટવર્કના કેન્દ્રમાં છે.
જેમાં મજૂર સંગઠનો, ખેડૂત સંગઠનો, વિદ્યાર્થી સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સેવા નેટવર્ક સામેલ છે. તેની રાજકીય પાંખ, ભાજપ, એક દાયકા કરતાં વધુ સમયથી કેન્દ્રમાં સત્તા પર છે અને ભારતના મોટાભાગના રાજ્યોમાં પણ આ પક્ષની સરકારો છે.
તેમ છતાં, આટલા મોટા કદના અન્ય સંગઠનોથી વિપરીત, આરએસએસ પોતે બિન નોંધાયેલ સંગઠન છે.
૧૩ જૂનના એક પત્રમાં ખડગેએ નોંધ્યું હતું કે: “આ જ કદ, પ્રભાવ અને પહોંચને કારણે આરએસએસ ને પારદર્શિતા, જવાબદારી અને બંધારણીય પાલનના સર્વોચ્ચ ધોરણો હેઠળ રાખવું અનિવાર્ય છે.
![]()
શું ભારતમાં સંગઠનો માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે?
ના. ભારતમાં એવો કોઈ સામાન્ય કાયદો નથી કે જે નાગરિકોની દરેક સંસ્થા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવે. સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ, ટ્રસ્ટ એક્ટ, કંપની લો અને ટ્રેડ યુનિયન લો એવા કાનૂની માધ્યમો પુરા પાડે છે જેના દ્વારા સંગઠનો પોતાની ઈચ્છાથી નોંધણી કરાવી શકે છે. પરંતુ રજીસ્ટ્રેશન સામાન્ય રીતે વૈકલ્પિક હોય છે, જ્યાં સુધી કોઈ સંગઠન એવા અધિકારો કે વિશેષાધિકારો ન ઈચ્છતું હોય જેના માટે ચોક્કસ કાનૂની સ્વરૂપ જરૂરી હોય.

૧૯૭૦ના ટેક્સ કેસ અને ‘ગુરુ દક્ષિણા’ વિવાદ
RSS ની કાનૂની સ્થિતિનો મુદ્દો ૧૦૭૦ ના દાયકામાં બોમ્બે અને પટનાના બે ટેક્સ કેસો દ્વારા સામે આવ્યો હતો. ટેક્સ સત્તાવાળાઓએ RSS ને મળતા દાન (જે કાર્યકરો પાસેથી ‘ગુરુ દક્ષિણા’ સ્વરૂપે મળે છે) ની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેના પર ટેક્સ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, બંને કેસોમાં ટેક્સ એપેલેટ ઓથોરિટીએ સ્વીકાર્યું હતું કે નિયમો હેઠળ ‘ગુરુ દક્ષિણા’ મુક્ત છે. બાદમાં ૧૯૯૪માં પટના હાઈકોર્ટે પણ આ નિર્ણયને માન્ય રાખ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જ આરએસએસ ને ‘બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ’ (વ્યક્તિઓના સમૂહ) તરીકે ઓળખવામાં આવ્યું હતું.
તેથી, વિવાદ એ બાબત પર નથી કે આરએસએસ કાયદેસર છે કે નહીં. ચર્ચા એ બાબત પર છે કે આટલું મોટું કદ અને પ્રભાવ ધરાવતું સંગઠન આજના સમયની મોટાભાગની આધુનિક સંસ્થાઓ દ્વારા અપનાવવામાં આવતા રજીસ્ટ્રેશનના માળખાથી બહાર કેમ હોવું જોઈએ.
મોટાભાગની સંસ્થાઓ રજીસ્ટ્રેશન કરાવવાનું પસંદ કરે છે તેનું એક કારણ એ છે કે તેનાથી એક સ્પષ્ટ કાનૂની ઓળખ મળે છે અને રોજબરોજની કામગીરી સરળ બને છે. રજીસ્ટર્ડ સોસાયટી, ટ્રસ્ટ, કંપની કે યુનિયન પોતાના નામે પ્રોપર્ટી (મિલકત) ખરીદી શકે છે, બેંક એકાઉન્ટ ખોલાવી શકે છે, કરારો કરી શકે છે, સ્ટાફ રાખી શકે છે, ગ્રાન્ટ અને દાન મેળવી શકે છે.
નોંધણીથી એક ચોક્કસ વહીવટી માળખું બને છે જે હોદ્દેદારો બદલાવા છતાં સતત ચાલતું રહે છે. તેનાથી વિપરીત, બિન-નોંધાયેલ સંગઠન સામાન્ય રીતે સ્વતંત્ર કાનૂની અસ્તિત્વ ધરાવતું નથી; મિલકતો ઘણીવાર ટ્રસ્ટીઓ કે હોદ્દેદારોના નામે હોય છે, કરારો વ્યક્તિઓ દ્વારા થાય છે અને કાનૂની કાર્યવાહી પણ સંગઠનના બદલે તેના પ્રતિનિધિઓ દ્વારા કે તેમની વિરુદ્ધ કરવી પડે છે.
તેથી રજીસ્ટ્રેશન વહીવટી અનુકૂળતા, કાનૂની નિશ્ચિતતા અને સંસ્થાકીય સાતત્ય પ્રદાન કરે છે, જેના કારણે તે મોટા સંગઠનો માટે પસંદગીનું મોડેલ બન્યું છે. ખાસ કરીને એવા સંગઠનો માટે જે મોટી મિલકતોનું સંચાલન કરે છે, ભંડોળ એકત્ર કરે છે, સંસ્થાઓ ચલાવે છે અથવા સરકાર અને નાણાકીય વ્યવસ્થા સાથે વ્યાપકપણે જોડાયેલા છે.

કેમ આરએસએસ રજીસ્ટર્ડ સંસ્થા નથી?
આરએસએસ કેમ રજીસ્ટર્ડ નથી તે સમજવા માટે તેના મૂળ જાણીએ. ૧૯૨૫ માં કે. બી. હેડગેવાર દ્વારા સ્થાપિત RSS ની કલ્પના એક પરંપરાગત સંસ્થા કરતાં ચારિત્ર્ય નિર્માણ અને સામાજિક સંગઠન પર કેન્દ્રિત સામાજિક આંદોલન તરીકે વધુ કરવામાં આવી હતી. રાજકીય પક્ષો, મજૂર સંગઠનો કે વ્યાવસાયિક મંડળોથી વિપરીત, તે સભ્યપદ ફોર્મ, ફી અથવા ઔપચારિક નોંધણી પર નિર્ભર નહોતું.
કાગળની કાર્યવાહીને બદલે ‘સહભાગીદારી’ એ સંગઠનનો મુખ્ય સિદ્ધાંત બન્યો. આ ફિલસૂફી આજે પણ જોઈ શકાય છે. ત્યાં કોઈ સભ્યપદ કાર્ડ નથી. કોઈ સાર્વજનિક રાષ્ટ્રીય સભ્યપદ રજીસ્ટર નથી. સંગઠનની પ્રવૃત્તિઓમાં, ખાસ કરીને દૈનિક શાખામાં ભાગ લેવાથી જ વ્યક્તિ સ્વયંસેવક બને છે.
આરએસએસ ના લેખક રતન શારદા દલીલ કરે છે કે ટીકાકારો ઘણીવાર પરંપરાગત સંસ્થાઓના ચશ્માથી આ સંગઠનનું મૂલ્યાંકન કરીને તેને સમજવામાં ભૂલ કરે છે.
તેમણે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ ને જણાવ્યું કે, આરએસએસ એ કોઈ પરંપરાગત સંસ્થા નથી. તે ચારિત્ર્ય નિર્માણમાં રોકાયેલું માણસથી માણસનું સંગઠન છે. તે નિયમિત સંપર્ક અને સંવાદ દ્વારા બનેલા સંબંધોથી ચાલે છે. કોઈપણ વ્યક્તિ શાખા શરૂ કરી શકે છે અને પછી તેને બંધ પણ કરી શકે છે.
રતન શારદાએ કહ્યું કે, આરએસએસ એક વિકેન્દ્રિત સંસ્થા છે. શાખાઓ સ્વતંત્ર રીતે ચાલે છે અને પોતાના સંસાધનો જાતે ઊભા કરે છે. ત્યાં કોઈ કેન્દ્રીય નિયંત્રણ નથી. તેથી કોઈ કેન્દ્રિય રેકોર્ડ રાખવાની વ્યવસ્થા હોઈ શકે નહીં.
કાગળ પર કોઈ ઓફિસ કે સભ્યો કેમ નથી? સરકારી કાર્યવાહીનો ડર
જો કે, માત્ર સંગઠનની ફિલસૂફી જ બધું સ્પષ્ટ કરતી નથી. વિદ્વાનો વોલ્ટર એન્ડરસન અને શ્રીધર દામલેનું સંશોધન સૂચવે છે કે સરકારી કાર્યવાહી અંગેની ચિંતાઓએ લાંબા સમયથી આરએસએસ ની વિચારસરણી ઘડી છે.
તેમના ૨૦૧૯ ના પુસ્તક ‘The Brotherhood in Saffron’ માં તેઓ નોંધે છે કે, શરૂઆતથી જ, સરકારી નિયંત્રણોની શક્યતા ઘટાડવા માટે આરએસએસ એ રાજકીય સત્તા પ્રત્યે સાવચેતીભર્યું અને બિન-સંઘર્ષાત્મક વલણ અપનાવ્યું હતું.
તે સાવચેતી ખોટી નહોતી. ૧૯૪૮ માં મહાત્મા ગાંધીની હત્યા પછી, ૧૯૭૫ માં કટોકટી (Emergency) દરમિયાન અને ફરીથી ૧૯૯૨ માં બાબરી મસ્જિદના વિધ્વંસ પછી આરએસએસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
વિદ્વાનોની દલીલ છે કે, આ પરિસ્થિતિઓએ આરએસએસ ને કાર્યરત રહેવા માટે નવીન રસ્તાઓ શોધવાની ફરજ પાડી. તેમાંથી એક રસ્તો બને તેટલી કાગળની ઓછી કાર્યવાહી રાખવી, મુખ્ય કામગીરી બિનઅધિકૃત રાખવી અને ચોક્કસ ક્ષેત્રોના કામ માટે અનેક સંલગ્ન સંગઠનો ઊભા કરવાનો હતો.
નામ ન આપવાની શરતે આરએસએસ ના એક પદાધિકારીએ સ્વીકાર્યું કે સરકારી દમનના ડરે સંગઠનની પસંદગીઓને પ્રભાવિત કરી હતી.
તેમણે કહ્યું કે, આરએસએસ નો જન્મ વિપરીત સંજોગોમાં થયો હતો. તેથી, તે સમયના નેતાઓની સાવચેતી માટે તેમને દોષ ન આપી શકાય. કટોકટી દરમિયાન, કાર્યકરોની ધરપકડ કરવા માટે સભ્યોની બિનઅધિકૃત યાદીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આજે આરએસએસ ની એવી સંરચના છે કે, તમે અમારી ઓફિસ પર દરોડો પાડી શકશો નહીં કારણ કે કાગળ પર આરએસએસ ની કોઈ ઓફિસ જ નથી. તમે અમારા સભ્યોની ધરપકડ કરી શકતા નથી કારણ કે સભ્યોનો કોઈ દસ્તાવેજ જ નથી.
સંગઠનના ઇતિહાસકારોએ આ વાસ્તવિકતા સ્વીકારી છે. વિકેન્દ્રીકરણ અને બિન-ઔપચારિકતાએ આરએસએસ ને મજબૂત બનાવ્યું છે.
આરએસએસ ના સ્થાપકોનો અભિપ્રાય હતો કે કેન્દ્રિય મિલકતો બનાવવા રજીસ્ટ્રેશન જરૂરી છે, તેનાથી સંગઠનની અંદર માલિકી, જાળવણી અને નિયંત્રણના વિવાદો ઊભા થઈ શકે છે. તેનાથી સમાજને સંગઠિત કરવાના મુખ્ય લક્ષ્ય પરથી ધ્યાન ભટકી જશે.
તેથી, RSS ના દરેક કાર્યકારી એકમને પોતાની કામગીરી માટે પોતે જ જવાબદાર બનાવવામાં આવ્યું. વિચાર એવો હતો કે આરએસએસ ની મિલકતો સમાજની જ ગણાય, કારણ કે તે સ્થાનિક સ્તરે સમાજના યોગદાનથી બનેલી છે તેમ આરએસએસ પદાધિકારીએ જણાવ્યું.

આરએસએસ નોંધણી વગર પરંતુ એની શાખાઓ રજીસ્ટર્ડ
આરએસએસ એ ઔપચારિક ઓપરેશનલ માળખું તેના સંલગ્ન સંગઠનોને સોંપી દીધું. તેથી, જ્યારે RSS પોતે બિન-નોંધાયેલ રહ્યું, ત્યારે તેની મોટાભાગની મુખ્ય પાંખો નોંધાયેલી સંસ્થાઓ દ્વારા જ કામ કરે છે.
મજૂર સંગઠન ‘ભારતીય મજદૂર સંઘ’ શ્રમ સંગઠનોને લગતા કાયદાકીય માળખા હેઠળ જ કામ કરે છે. સંઘ સાથે જોડાયેલી શૈક્ષણિક, સામાજિક સેવા અને આદિવાસી કલ્યાણ સંસ્થાઓ સામાન્ય રીતે રજીસ્ટર્ડ ટ્રસ્ટ અને સોસાયટીઓ દ્વારા ચાલે છે.
શારદાએ જણાવ્યું કે, આરએસએસ હંમેશા એક બિન-ઔપચારિક સંગઠન રહ્યું છે. પરંતુ તેના સહયોગી સંગઠનો બધા રજીસ્ટર્ડ છે અને ઇન્કમ ટેક્સ ચૂકવે છે. તેમનું ઓડિટ થાય છે અને તેમના વાર્ષિક અહેવાલો પણ પ્રકાશિત થાય છે.
આરએસએસ નેતાઓના જણાવ્યા અનુસાર, જ્યારે પણ નાણાં એકત્ર કરવાના હોય, મિલકતોની માલિકી રાખવાની હોય કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું હોય, ત્યારે અલગ રજીસ્ટર્ડ ટ્રસ્ટ બનાવવામાં આવે છે.
પદાધિકારીઓ ઈશારો કરે છે કે, દિલ્હીમાં તાજેતરમાં શરૂ કરાયેલું આરએસએસ નું મુખ્યાલય પણ સીધું આરએસએસ ના નામે નથી, પરંતુ ટ્રસ્ટના માળખા દ્વારા તેની માલિકી અને સંચાલન થાય છે.
![]()
૧૦૪૯ નું બંધારણ અને આરએસએસ પર લાગેલા પ્રતિબંધો
સંગઠનની બિન-ઔપચારિક રહેવાની પ્રવૃત્તિ એટલી પ્રબળ હતી કે ગાંધીજીની હત્યા અને ત્યારબાદ લાગેલા પ્રતિબંધ પછી જ ૧૯૪૯ માં તેણે બંધારણ અપનાવવું પડ્યું હતું. પ્રતિબંધ હટાવવા માટે આરએસએસ એ સરકાર સાથે કરેલી આ એક રાજકીય સમજૂતી હતી. જો કે, નોંધપાત્ર બાબત એ છે કે તે સમયની સરકારે પણ સંગઠનની નોંધણી કરાવવા માટે દબાણ કર્યું ન હતું.
ઔપચારિક લેખિત નિયમો અપનાવવા છતાં, ઘણા લોકોની દલીલ છે કે આરએસએસ એ પોતાની જૂની પદ્ધતિઓ જ ચાલુ રાખી. બંધારણમાં રાજકારણથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધાના બરાબર બે વર્ષ પછી જ તેની પ્રથમ રાજકીય પાંખ ‘જનસંઘ’ ની સ્થાપના કરવામાં આવી હતી.
એન્ડરસન અને દામલે નોંધે છે તેમ, સરસંઘચાલકની પસંદગી જેવા મુખ્ય મુદ્દાઓ પર સંગઠને કોઈ બાંધછોડ કરવાનો ઇનકાર કર્યો હતો. એમ. એસ. ગોલવલકરે પાછળથી ભારપૂર્વક કહ્યું હતું કે આરએસએસ એ કંઈ જ છોડ્યું નથી.
![]()
શું આરએસએસ અનોખું છે?
ભારતમાં ઘણી બધી બિન-નોંધાયેલી સંસ્થાઓ છે. ધાર્મિક સમુદાયો, સંપ્રદાયો, અખાડા અને સામાજિક આંદોલનો ઘણીવાર ઔપચારિક નોંધણી વગર જ કામ કરે છે.
પરંતુ જે બાબત દુર્લભ છે તે એક એવું સંગઠન છે જે આ બધી બાબતોનું મિશ્રણ ધરાવે છે: એક સદીનું અસ્તિત્વ, દેશવ્યાપી હાજરી, શિસ્તબદ્ધ વહીવટી માળખું, લાખો સહભાગીઓ અને પ્રચંડ રાજકીય પ્રભાવ. આના જેવા બહુ ઓછા ઉદાહરણો જોવા મળે છે.

તેનાથી આરએસએસ ગેરકાનૂની સાબિત થતું નથી, પરંતુ આ જ કારણ છે કે નોંધણીનો આ સવાલ વારંવાર સામે આવતો રહે છે.
