ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝની છેલ્લી મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈમાં રમાનારા ત્રીજા અને અંતિમ વનડે મુકાબલા માટે યુવા ઓલરાઉન્ડર હર્ષિત રાણાને ભારતીય સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ એ શુક્રવારે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે. લાંબા સમયથી ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર રહેલો હર્ષિત રાણા હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને તે ચેન્નાઈમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે.

૨૪ વર્ષીય હર્ષિત રાણા ચાલુ વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચ દરમિયાન ઘૂંટણની ઈજાનો ભોગ બન્યો હતો. આ ગંભીર ઈજાના કારણે તે ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો અને ટીમમાં તેના સ્થાને મોહમ્મદ સિરાજને તક અપાઈ હતી. એટલું જ નહીં, આ ઈજાના કારણે તે આઈપીએલ ૨૦૨૬ માં પણ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી શક્યો ન હતો. ત્યારબાદ તેણે બીસીસીઆઈ ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રહીને પોતાનું રિહેબિલિટેશન પૂર્ણ કર્યું છે.
મહિનાઓ સુધી ક્રિકેટ મેદાનથી દૂર રહ્યા બાદ, હર્ષિત રાણાને આગામી ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની ટી૨૦આઈ સીરિઝ તેમજ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં ઓલરેડી પસંદ કરી લેવામાં આવ્યો છે. જોકે, શનિવારે ચેન્નાઈ વનડેમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે, તો તે આ આંતરરાષ્ટ્રીય પ્રવાસો પહેલાં જ મેદાન પર એક્શનમાં જોવા મળશે.

આ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરે ભારત માટે પોતાની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં રમી હતી. ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ વનડે મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા ૩ વિકેટ ઝડપી હતી અને નંબર ૮ પર બેટિંગ કરતા માત્ર ૪૩ બોલમાં ૫૨ રનની આક્રમક અડધી સદી ફટકારી હતી. હર્ષિતે અત્યાર સુધી રમેલી ૧૪ વનડે મેચોમાં ૨૭.૩૮ ની સરેરાશથી કુલ ૨૬ વિકેટ પોતાના નામે કરી છે.

ભારતીય ટીમે આ વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ધર્મશાલા અને લખનૌમાં રમાયેલી પ્રથમ બે મેચો જીતીને ભારત સીરિઝમાં ૨-૦ થી અજેય છે. સીરિઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ શનિવારે ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જેમાં ટીમ મેનેજમેન્ટ હર્ષિત રાણાને અજમાવી શકે છે.

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), કે. એલ. રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા.
