ગુજરાત હાઈકોર્ટે સોમનાથ મંદિરની આસપાસ થયેલા સર્વેના અહેવાલો જાહેર કરવાની માગ કરતી એક જાહેર હિતની અરજી (પીઆઈએલ) ને સખત વલણ અપનાવીને ફગાવી દીધી છે. કોર્ટે આ અરજીને માત્ર પબ્લિસિટી સ્ટંટ અને અદાલતનો સમય બગાડનારી ગણાવીને અરજદારને ₹ ૨ લાખનો ભારે દંડ ફટકાર્યો છે.

શું હતી અરજદારની માગ?
મહારાષ્ટ્રના રહેવાસી ડૉ. વિલાસ તુકારામ ખરાટે એડવોકેટ રત્ના વ્હોરા મારફતે આ અરજી દાખલ કરી હતી. અરજદારે માગ કરી હતી કે, વર્ષ ૨૦૧૭ માં આઈઆઈટી (આઈઆઈટી) ગાંધીનગર દ્વારા સોમનાથ મંદિરની આસપાસ એક આર્કિયોલોજિકલ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ત્યાં બૌદ્ધ અવશેષો હોવાની વિગતો સામે આવી હતી. ઇતિહાસ જાણવાના હેતુથી આ સર્વેના અહેવાલો પબ્લિક ડોમેઈનમાં (જાહેરમાં) મૂકવામાં આવે.

સરકારી વકીલનો વિરોધ અને કોર્ટની કડક ટિપ્પણી
અરજીની સુનાવણી દરમિયાન મુખ્ય સરકારી વકીલ ગુરૂશરણ વીર્કે આ અરજીનો સખત વિરોધ કર્યો હતો અને તેને પબ્લિસિટી મેળવવાનો સસ્તો પ્રયાસ ગણાવ્યો હતો. હાઈકોર્ટે પણ આ બાબતની ગંભીર નોંધ લેતા જણાવ્યું કે, આ અરજી માત્ર મીડિયા અહેવાલો પર આધારિત છે અને અરજદારે પોતાની વાત સાબિત કરવા માટે રેકોર્ડ પર કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી. વધુમાં, અરજીમાં સોમનાથ ટ્રસ્ટને પણ પક્ષકાર બનાવાયું છે, જેના ચેરમેન ખુદ વડાપ્રધાન છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ અરજી પાછળનો હેતુ કંઈક બીજો જ છે અને તે ગેરમાર્ગે દોરનારા તથ્યો પર આધારિત છે.

અરજી પરત ખેંચવાની માગ ફગાવી, દંડ ફટકાર્યો
જ્યારે ચીફ જસ્ટિસની બેંચ ચુકાદો લખાવી રહી હતી, ત્યારે અરજદારે પોતાની અરજી પરત ખેંચવાની વિનંતી કરી હતી. જો કે, હાઈકોર્ટે આ વિનંતીને સાફ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈ જાહેર હિતની અરજીઓનો (પીઆઈએલ) આવો દુરુપયોગ ન કરે તે માટે ઉદાહરણ પૂરતો દંડ કરવો જરૂરી છે.
અદાલતે અરજદારને ₹ ૨ લાખનો દંડ ફટકાર્યો છે, જે ૩ અઠવાડિયામાં ‘ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી’માં જમા કરાવવાનો રહેશે. જો આ સમયગાળામાં દંડ નહીં ભરાય તો કાયદા મુજબ લેન્ડ રેવન્યુ કોડ અંતર્ગત તેની વસૂલાત કરવામાં આવશે.
