
ગુજરાતી પંચાંગ (અમાન્ત પંચાંગ) અનુસાર, અષાઢ મહિનાની અમાસ પૂરી થયા પછી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. આકાશમાં પૂર્ણિમાના દિવસે ‘શ્રવણ’ નક્ષત્ર હોવાથી આ માસને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનો આધ્યાત્મિક ઊર્જા, તપ અને સાધનાનો મહિનો છે. પ્રકૃતિ પણ આ સમયે વર્ષાઋતુના આગમનથી ખીલી ઊઠે છે, જે નવી શરૂઆત અને સકારાત્મકતાનું પ્રતીક છે.

શ્રાવણ મહિનામાં શિવ જીની પૂજા શા માટે થાય છે?
શ્રાવણ મહિનામાં શિવ આરાધના પાછળ મુખ્યત્વે બે મોટી પૌરાણિક કથાઓ જોડાયેલી છે સમુદ્ર મંથન અને નીલકંઠ: દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી ૧૪ રત્નો નીકળ્યા. તેમાં સૌથી પહેલાં ‘હળાહળ’ નામનું ભયંકર ઝેર નીકળ્યું, જેનાથી સમગ્ર સૃષ્ટિ નાશ પામવા લાગી. સૃષ્ટિના રક્ષણ માટે ભગવાન શિવજીએ તે ઝેર પી લીધું અને તેને પોતાના ગાળામાં જ રોકી રાખ્યું. ઝેરની તીવ્ર ગરમીને કારણે તેમનો કંઠ નીલો પડી ગયો અને તેઓ ‘નીલકંઠ’ કહેવાયા. ઝેરની ગરમી શાંત કરવા માટે દેવતાઓએ શિવજી પર ગંગાજળ અને દૂધનો અભિષેક કર્યો. આ ઘટના શ્રાવણ મહિનામાં બની હોવાથી, આ માસમાં જળાભિષેકનું વિશેષ મહત્ત્વ છે. માતા પાર્વતીની તપસ્યા: માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે પામવા માટે શ્રાવણ મહિનામાં જ કઠોર વ્રત અને તપસ્યા કરી હતી, જેનાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમની મનોકામના પૂર્ણ કરી હતી.

શ્રાવણના સોમવારનું મહત્ત્વ
સોમવાર એ ભગવાન શિવને સમર્પિત દિવસ છે. ‘સોમ’ એટલે ચંદ્ર, અને શિવજીએ ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યો છે. શ્રાવણના સોમવારે વ્રત કરવાથી કુંડળીમાં રહેલા ચંદ્ર દોષ અને માનસિક અશાંતિ દૂર થાય છે. કુંવારી કન્યાઓ સારા જીવનસાથીની પ્રાપ્તિ માટે અને પરણિત સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય માટે સોમવારનું વ્રત (સોળ સોમવાર) કરે છે.

શિવજીની પૂજા વિધિ

શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજા અત્યંત સરળ છતાં અત્યંત ફળદાયી માનવામાં આવે છે
૧. સ્નાન અને સંકલ્પ: સવારે વહેલા ઊઠી, સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા અને શિવ પૂજાનો સંકલ્પ લેવો.
૨. અભિષેક: શિવલિંગ પર ગંગાજળ, શુદ્ધ જળ, ગાયનું કાચું દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ (પંચામૃત) વડે અભિષેક કરવો.
૩. અર્પણ: શિવજીને ચંદનનો લેપ કરવો. અક્ષત (આખા ચોખા), બીલીપત્ર (જેમાં ત્રણ પાન જોડાયેલા હોય અને ખંડિત ન હોય), ધતૂરો, આંકડાના ફૂલ, ભસ્મ અને રુદ્રાક્ષ અર્પણ કરવા.
૪. મંત્ર જાપ: પૂજા સમયે ૐ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવો.
૫. આરતી અને ક્ષમાયાચના: અંતમાં શિવ ચાલીસાનો પાઠ કરી, ધૂપ-દીપથી આરતી કરવી અને પૂજામાં રહેલી કોઈ પણ ભૂલ માટે ક્ષમા માંગવી.
૧૨ જ્યોતિર્લિંગ અને પૌરાણિક કથા
ભારતમાં ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગ આવેલા છે, જ્યાં શિવજી સ્વયં પ્રકાશ સ્વરૂપે પ્રગટ થયા હતા.
૧૨ જ્યોતિર્લિંગના નામ:
૧. સોમનાથ (ગુજરાત) | ૨. મલ્લિકાર્જુન (આંધ્રપ્રદેશ) | ૩. મહાકાલેશ્વર (મધ્યપ્રદેશ) | ૪. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) | ૫. કેદારનાથ (ઉત્તરાખંડ) | ૬. ભીમાશંકર (મહારાષ્ટ્ર) | ૭. કાશી વિશ્વનાથ (ઉત્તર પ્રદેશ) | ૮. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) | ૯. વૈદ્યનાથ (ઝારખંડ) | ૧૦. નાગેશ્વર (ગુજરાત) | ૧૧. રામેશ્વર (તમિલનાડુ) | ૧૨. ઘૃષ્ણેશ્વર (મહારાષ્ટ્ર).
/indian-express-gujarati/media/media_files/2026/01/05/somnath-temple-1-2026-01-05-16-17-41.jpg)
કથા: સોમનાથ મહાદેવ (પ્રથમ જ્યોતિર્લિંગ)
જ્યોતિષ અને પૌરાણિક શાસ્ત્રોમાં સોમનાથ મંદિરની કથા ખૂબ જ વિશેષ છે. દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ કન્યાઓ (જે આકાશમાં ૨૭ નક્ષત્રો છે) ના લગ્ન ચંદ્રદેવ સાથે કરાવ્યા હતા. પરંતુ ચંદ્રદેવને માત્ર ‘રોહિણી’ પ્રત્યે જ વિશેષ લગાવ હતો અને અન્ય પત્નીઓની તેઓ ઉપેક્ષા કરતા હતા. આ જાણીને ક્રોધિત થયેલા દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તારું તેજ ધીમે ધીમે ક્ષીણ થઈ જશે (ક્ષય રોગ). શ્રાપમુક્તિ માટે બ્રહ્માજીની સલાહથી ચંદ્રદેવે પ્રભાસ પાટણ (ગુજરાત) માં કઠોર તપસ્યા કરી અને શિવલિંગની સ્થાપના કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્ત કરી તેમના મસ્તક પર બિરાજમાન થયા. ચંદ્ર (સોમ) દ્વારા જેની પૂજા થઈ તે શિવ ‘સોમનાથ’ કહેવાયા.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
