ગુજરાતમાં ગિરનારની તળેટીમાં બિરાજમાન ભવનાથ મહાદેવ મંદિર પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ માનવામાં આવે છે. શિવરાત્રી પર યોજાતી રેવાડીમાં મંદિરમાં સ્થિત મૃગી કુંડમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/08/19/bhavnath-mahadev-temple-girnar-2026-08-19-21-00-59.jpg)
ગુજરાતની પવિત્ર ભૂમિ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર કરોડો શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ગિરનારના પ્રાકૃતિક સૌંદર્ય અને શાંત વાતાવરણ વચ્ચે બિરાજમાન ભવનાથ મહાદેવના દર્શન માત્રથી જ ભક્તો ધન્યતા અનુભવે છે.

ભવનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ અને સ્થાપના
ભવનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ પૌરાણિક અને અત્યંત પ્રાચીન છે. શાસ્ત્રો અને લોકવાયકા અનુસાર, આ મંદિરનો શિવલિંગ કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો નથી, પરંતુ તે સ્વયંભૂ (પોતે પ્રગટ થયેલું) છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ખુદ દેવો અને મહર્ષિઓ દ્વારા અનાદિ કાળમાં કરવામાં આવી હતી. કાલક્રમે તપસ્વી સાધુઓના આશ્રયસ્થાન તરીકે આ મંદિરનો વિકાસ થયો.

અન્ય લોકમાન્યતા મુજબ, ભોળનાથ માતા પાર્વતી સાથે ગિરનાર પર્વત પર વિહાર કરી રહ્યા હતા, ત્યારે તેમનું એક પવિત્ર વસ્ત્ર મૃગી કુંડ ખાતે પડ્યું હતું. ત્યારથી આ સ્થાન શંકર ભગવાનના ભક્તો માટે પવિત્ર સ્થળ બન્યું.

ભવનાથ મહાદેવ મંદિરનું ધાર્મિક મહત્વ
સ્કંદ પુરાણના વસ્ત્રાપથ ક્ષેત્ર મહાત્મ્ય મુજબ, ગિરનાર તળેટી અને પર્વત અત્યંત પવિત્ર ગણાય છે. ગિરનારને હિમાલયના પિતા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ગિરનાર પર્વત પર શંકર ભગવાન, ગુરુ દેત્તાત્રેય, ૩૩ કોટી દેવતાઓ, ચોસઠ જોગણીઓ, દેવતાઓ, પુણ્યઆત્માઓ અને સાધા સંતોનો વાસ છે. ગિરનાર પર્વત પર અદ્રશ્ય રૂપે ભ્રમણ કરતા સિદ્ધ સાધુઓનું નિત્ય સાનિધ્ય રહે છે.

મહાશિવરાત્રી મેળો અને મૃગી કુંડમાં સ્નાનનું મહત્વ
ભવનાથ ધામની સૌથી મોટી વિશેષતા અહીં યોજાતો વિશ્વપ્રસિદ્ધ ‘મહાશિવરાત્રીનો મેળો’ છે. દર વર્ષે મહા વદ નોમથી મહાશિવરાત્રી સુધી અહીં પાંચ દિવસીય ભવ્ય મેળો ભરાય છે.
દિગંબર સાધુઓની રવેડી: શિવરાત્રીની રાત્રે અખાડાના દિગંબર સાધુ-સંતોની ભવ્ય રવેડી (શુભાયાત્રા) નીકળે છે, જે આ મેળાનું મુખ્ય આકર્ષણ છે.
મૃગી કુંડ સ્નાન: મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ૧૨:૦૦ વાગ્યે શંખનાદ અને હર હર મહાદેવના નાદ સાથે તમામ સિદ્ધ સાધુઓ ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા પવિત્ર ‘મૃગી કુંડ’માં શાહી સ્નાન કરે છે. એવું માનવામાં આવે છે કે આ સમયે ખુદ ભગવાન શિવ અને અદ્રશ્ય સિદ્ધ પુરુષો કુંડમાં સ્નાન કરવા પધારે છે. આ કુંડમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ગિરનાર પર્વત અને ગુરુ શિખરના દર્શનનું મહત્વ
ભવનાથ મંદિરના દર્શન બાદ ભક્તો ગિરનાર આરોહણ કરે છે. ગિરનાર પર્વત પર સ્થિત ‘દત્તાત્રેય શિખર’ (ગુરુ શિખર) ભગવાન દત્તાત્રેયનું મંદિર છે. 9,999 પગથિયાં ચડીને ગુરુ શિખરે પહોંચી ભગવાન દત્તાત્રેયની ચરણ પાદુકાના દર્શન કરવાથી મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી દ્રઢ માન્યતા છે. આ ઉપરાંત અંબાજી મંદિર અને ગોરખનાથ શિખર પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે.

રોપવે સુવિધા
ગિરનારની તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચવા માટે રોપ વે સુવિધા ઉપલબ્ધ છે. જે એશિયાનો સૌથી લાંબો રોપ વે છે.રોપ વેની સુવિધા બાળકો અને વૃદ્ધો વ્યક્તિઓ સરળતાથી અંબાજી મંદિર સુધી દર્શન કરી શકે છે. રોપ વેમાંથી ગિરનાર પર્વતનો સુંદર નજારો જોવા મળે છે.

ગિરનાર કેવી રીતે પહોંચવું?
ગુજરાતના મુખ્ય શહેરોથી જૂનાગઢ સારી રીતે જોડાયેલું છે:
રેલવે માર્ગ : જૂનાગઢ રેલવે સ્ટેશન દેશના મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. સ્ટેશનથી ભવનાથ તળેટી માત્ર 8 કિમી દૂર છે.
સડક માર્ગ : અમદાવાદ, રાજકોટ, જામનગર અને વડોદરાથી એસ.ટી. બસ અને પ્રાઇવેટ વાહનો સીધા જૂનાગઢ તથા ભવનાથ તળેટી સુધી મળે છે.
હવાઈ માર્ગ : નજીકનું એરપોર્ટ રાજકોટ (અંદાજે ૧૦૦ કિમી) અને કેશોદ (અંદાજે ૪૦ કિમી) છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
