ગુજરાતમાં એક અનોખું શિવ મંદિર આવેલું છે, જે દિવસમાં બે વખત દરિયામાં સમાઇ જાય છે. આ શિવલિંગની સ્થાપના શિવ પુત્ર કાર્તિકેયે કરી હોવાની માન્યતા છે.
/indian-express-gujarati/media/media_files/2026/09/01/stambheshwar-mahadev-temple-2026-09-01-16-35-34.jpg)
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો વિવિધ મહાદેવ મંદિરોમાં દર્શનાર્થે જતા હોય છે. પરંતુ ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઇ ગામ નજીક આવેલું સ્તંભેશ્વર મહાદેવ મંદિર વિશ્વભરમાં તેની અનોખી અને પ્રાકૃતિક ઘટના માટે જાણીતું છે. અરબ સાગરના કિનારે સ્થિત આ તીર્થધામ “અદ્રશ્ય થતાં શિવમંદિર” તરીકે ઓળખાય છે, જ્યાં દિવસમાં બે વાર દરિયાના મોજાં આખા મંદિરનો જળાભિષેક કરીને તેને પોતાનામાં સમાવી લે છે.

સ્તંભેશ્વર મહાદેવ મંદિરનો પૌરાણિક ઇતિહાસ
સ્કંદ પુરાણ અનુસાર, આ મંદિરનો ઇતિહાસ શિવપુત્ર કાર્તિકેય સાથે જોડાયેલો છે. મહાદેવના પુત્ર કાર્તિકેયે અસુર તારકાસુરનો વધ કર્યો હતો. પરંતુ તારકાસુર પરમ શિવભક્ત હોવાથી, તેનો વધ કર્યા પછી કાર્તિકેયના મનમાં ભારે પશ્ચાતાપ અને ગ્લાનિની ભવના જાગી હતી. તેમણે પોતાના પિતા ભગવાન શિવને આ પાપમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પૂછ્યો.
ભગવાન શિવે તેમને મહિસાગર સંગમ સ્થાન પર શિવલિંગની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવાની આજ્ઞા આપી. ભગવાન કાર્તિકેયે અહીં શિવલિંગની સ્થાપના કરી અને તેને ‘સ્તંભેશ્વર’ નામ આપ્યું. ત્યારબાદ અહીં પૂજા કરીને તેઓ પાપમુક્ત થયા હતા. ત્યારથી આ સ્થળ અત્યંત પવિત્ર અને પાપનાશિની તીર્થ તરીકે પૂજાય છે. તેને ગુપ્ત તીર્થ પર કહેવાય છે.

સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં મંદિરમાં દર્શન અને ભરતી ઓટનો સમય
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખંભાતના અખાતમાં મહિસાગર નદી અને અરબ સાગરના સંગમ સ્થાન પર આવેલું છે. અહીં દર્શન કરવા માટે કોઈ ચોક્કસ કે નિશ્ચિત સમય હોતો નથી, પરંતુ દરિયાની ભરતી અને ઓટના સમય પર દર્શનનો આધાર રહે છે.
ભરતીનો સમય : જ્યારે દરિયામાં ભરતી આવે છે, ત્યારે દરિયાનું પાણી ધીમે ધીમે મંદિર પરિસરમાં પ્રવેશે છે અને શિવલિંગ સંપૂર્ણપણે જળમગ્ન થઈ જાય છે. આ સમયે મંદિર અદ્રશ્ય થઈ જાય છે અને સુરક્ષાના કારણે શ્રદ્ધાળુઓને મંદિરમાં જવાની મનાઈ હોય છે.
ઓટનો સમય : જ્યારે દરિયાની ઓટ શરૂ થાય છે, ત્યારે પાણી ઓસરવા લાગે છે અને શિવલિંગ પૂર્વવત દ્રશ્યમાન થાય છે. આ સમયે ભક્તો મંદિરમાં જઈને શિવલિંગના દર્શન અને સ્પર્શ કરી શકે છે.
દર્શને જતાં પહેલાં સ્થાનિક ટ્રસ્ટ અથવા પંચાંગ દ્વારા દરરોજના ભરતી-ઓટના સમયની માહિતી મેળવી લેવી અત્યંત જરૂરી છે.

સ્તંભેશ્વર મહાદેવ કેવી રીતે પહોંચવું?
સ્તંભેશ્વર મહાદેવ મંદિર વડોદરા, ભરૂચ અને આણંદથી સરળતાથી પહોંચી શકાય તેવા સ્થળે આવેલું છે.
સડક માર્ગે : વડોદરાથી કાવિ-કંબોઈનું અંતર અંદાજે 75 કિમી અને ભરૂચથી અંદાજે 80 કિમી છે. ગુજરાત રાજ્ય પરિવહન (GSRTC) ની બસો તેમજ ખાનગી વાહનો દ્વારા આણંદ, જંબુસર કે વડોદરાથી સરળતાથી પહોંચી શકાય છે.
રેલ માર્ગે : નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન વડોદરા અને ભરૂચ છે. ત્યાંથી ટેક્સી કે બસ દ્વારા કંબોઈ પહોંચી શકાય છે.
હવાઈ માર્ગે : સૌથી નજીકનું હવાઇમથક વડોદરા એરપોર્ટ (BDQ) છે.

સ્તંભેશ્વર મહાદેવ મંદિર નજીક જોવાલાયક સ્થળો
સ્તંભેશ્વર મહાદેવના દર્શન ઉપરાંત પ્રવાસીઓ આસપાસના અન્ય ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની પણ મુલાકાત લઈ શકે છે:
કાવી જૈન તીર્થ: કંબોઈ નજીક આવેલું કાવી ગામ પ્રાચીન જૈન દેરાસરો માટે જાણીતું છે, જે જૈન શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.
મહિસાગર સંગમ : મહિસાગર નદી અને અરબ સાગરનો સંગમ ઘાટ પ્રાકૃતિક રીતે અત્યંત નયનરમ્ય છે.
જંબુસર અને આમોદ : અહીંના પૌરાણિક મંદિરો અને ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી કરવા માટે પ્રવાસીઓ રોકાણ કરી શકે છે.
શ્રાવણ માસ દરમિયાન પ્રકૃતિ અને ભક્તિના આ અદ્ભુત સંગમ સમો નજારો જોવા માટે દેશ-વિદેશથી લાખો ભક્તો સ્તંભેશ્વર મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવવા આવે છે.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
