પેઇનકિલર અને એન્ટિબાયોટિક્સનો વગર વિચાર્યે ઉપયોગ પડે છે ભારે

અત્યારે આપણી જીવનશૈલી એવી થઈ ગઈ છે કે, દુખાવો તો થાય. માથું દુખે, પગ દુખે કે પછી કમરમાં દુખાવો ઉપડે. દુખાવો થાય એટલે તરત લોકો પેઇનકિલર લેતા હોય છે. તાવ આવે તો પણ પોતાની રીતે એન્ટિબાયોટિકનો ડોઝ લઈ લેતા હોય છે. થોડા દિવસ પછી ફરી એ જ તકલીફ થાય, એટલે ઘરમાં રહેલી પેલી બચેલી દવા ફરીથી લેવામાં આવે છે. જો તમે પણ આવું કરો છો, તો હવે થોડું અટકી જજો. કારણ કે જે દવા તમને રાહત આપવા માટે છે, એ જ દવા ખોટી રીતે લેવામાં આવે તો કિડની માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. દેશની દવા નિયામક સંસ્થા સીડીએસસીઓ એ પેઇનકિલર અને એન્ટિબાયોટિકના બિનજરૂરી અને લાંબા સમય સુધી થતા ઉપયોગને લઈને નવી ચેતવણી આપી છે. વાત એકદમ સીધી છે. દવા ત્યારે જ લેવાની, જ્યારે ખરેખર જરૂર હોય. યોગ્ય માત્રામાં લેવાની. યોગ્ય સમય માટે લેવાની. અને સૌથી જરૂરી વાત એ છે કે, ડૉક્ટરની સલાહ પ્રમાણે જ લેવી જોઈએ.

ખાસ કરીને દુખાવા માટે સામાન્ય રીતે લેવાતી એનએસએઆઈડી પ્રકારની પેઇનકિલર દવાઓને લઈને સાવચેતી જરૂરી છે. આ દવાઓનો વારંવાર અથવા લાંબા સમય સુધી લેવામાં આવે તો કિડની પર અસર થઈ શકે છે. ખાસ કરીને જેમને પહેલાંથી જ કિડનીની તકલીફ છે, જેમને કિડનીને નુકસાન થવાનું જોખમ વધારે છે, કે શરીરમાં પાણીની ઉણપ છે અથવા હૃદયની બીમારી છે, એવા લોકોએ આવી દવા પોતાની રીતે લેવી જોખમી બની શકે છે.

હવે અહીં એક સવાલ છે કે, શું આ વાત નવી છે? બિલકુલ નહીં. પરંતુ સમસ્યા એ છે કે આપણે દવાને ઘણી વાર બહુ સામાન્ય વસ્તુ સમજી લઈએ છીએ. એટલે જ સીડીએસસીઓ એ યાદ અપાવ્યું છે કે મોટાભાગની એનએસએઆઈડી દવાઓ અનુસૂચિ એચ હેઠળ આવે છે. એટલે આ દવાઓ પ્રિસ્ક્રિપ્શનવાળી દવાઓ છે. મોટાભાગની એન્ટિબાયોટિક અનુસૂચિ એચ૧ હેઠળ આવે છે. તેના પર પણ સ્પષ્ટ ચેતવણી હોય છે કે તબીબી સલાહ વગર તેનો ઉપયોગ જોખમી બની શકે છે. આ નિયમોનો ખાસ અમલ થતો નથી. કારણ કે આજે પણ ઘણા લોકો ડોક્ટર પાસે ગયા વગર પેઇનકિલર લઈ લે છે. ઘણા લોકો તાવ આવ્યો એટલે તરત એન્ટિબાયોટિક શરૂ કરી દે છે.
![]()
ખાસ કરીને સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં એન્ટિબાયોટિક કામ કરતી નથી. કારણ કે એન્ટિબાયોટિક બેક્ટેરિયા સામે કામ કરે છે. એટલે માત્ર તાવ આવ્યો કે શરદી થઈ એટલે પોતાની રીતે એન્ટિબાયોટિક શરૂ કરી દેવી, એ સમજદારી નથી. અને અહીં એક બીજી મોટી ભૂલ પણ થાય છે. ડોક્ટરે તમને એન્ટિબાયોટિક આપી હતી. તમે થોડા દિવસ લીધી. દવા બચી ગઈ. હવે થોડા સમય પછી ફરી એવી જ તકલીફ થઈ. તો એ જ દવા ફરી શરૂ કરી દીધી. આવું પણ ન કરવું. કારણ કે આ વખતે બીમારીનું કારણ અલગ હોઈ શકે છે. માત્ર લક્ષણ એકસરખા દેખાય છે એટલે જરૂરી નથી કે, એ જ દવાથી ફાયદો થાય.
ઘણી વખત એમ પણ બને છે કે, પરિવારમાં કોઈને અમુક તકલીફ થાય, ડૉક્ટરે તેને એન્ટિબાયોટિક આપી હોય, હવે, પરિવારમાં બીજી વ્યક્તિને પણ એવી જ તકલીફ થાય તો એ જ એન્ટિબાયોટિક એ વ્યક્તિને પણ આપવામાં આવે છે. આરોગ્ય એજન્સી કહે છે કે, આવી ભૂલ ના કરવી જોઈએ. સીડીએસસીઓ એ માત્ર લોકોને ચેતવણી નથી આપી, પરંતુ ડૉક્ટરોને પણ ચેતવણી આપવામાં આવી છે. ડૉક્ટરોને કહેવામાં આવ્યું છે કે, પેઇનકિલર લખતી વખતે દર્દીની ઉંમર શું છે, તેને બીજી કોઈ બીમારી છે કે નહીં, કઈ દવાઓ પહેલાંથી ચાલી રહી છે અને કિડનીને નુકસાન થવાનું જોખમ કેટલું છે, એ બધું ધ્યાનમાં લેવું જોઈએ.

હવે વાત દવાની દુકાન સુધી આવે છે. સીડીએસસીઓ એ ફાર્માસિસ્ટ, દવા વેચનાર અને વિતરકોને પણ નિયમોનું કડક પાલન કરવા કહ્યું છે. તેમને આદેશ આપવામાં આવ્યો છે કે, અનુસૂચિ એચ અને એચ૧ હેઠળ આવતી દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર વેચવી નહીં. હૉસ્પિટલોને પણ દવાઓના ઉપયોગ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
![]()
હવે સવાલ એ છે કે કિડનીને નુકસાન થવાની વાત પર આટલો ભાર કેમ મૂકવામાં આવી રહ્યો છે? કારણ કે કિડની આપણા શરીર માટે ખૂબ જ મહત્વનું અંગ છે. એ શરીરમાંથી ગંદકી અને વધારાનું પાણી બહાર કાઢે છે. એટલે વારંવાર બિનજરૂરી દવાઓ લેવાથી કિડની પર વધારાનો ભાર પડે છે અને એને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને પહેલેથી જ કોઈ ગંભીર બીમારી છે, તેમના માટે આ જોખમ વધી જાય છે.
હવે એન્ટિબાયોટિકની વાત કરીએ તો અહીં કિડની ઉપરાંત બીજી એક મોટી ચિંતા છે. એ છે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ. સરળ ભાષામાં કહીએ તો, એન્ટિબાયોટિકનો વારંવાર અને બિનજરૂરી ઉપયોગ કરવામાં આવે તો શરીર માટે મુશ્કેલી ઊભી થાય છે. કેમ કે, એ પછી કેટલાક બેક્ટેરિયાની સામે લડવા માટે દવાની અસર ઓછી થતી જાય છે. એટલે પછી જ્યારે ખરેખર શરીર પર બેક્ટેરિયાનું આક્રમણ થાય ત્યારે એન્ટિબાયોટિક કામ ન કરે એવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
યાદ રાખજો. દવા ખરાબ વસ્તુ નથી. દવા તો જીવન બચાવે છે, પરંતુ દવા ત્યારે જ ફાયદો કરે છે, જ્યારે એ દવા યોગ્ય હોય, યોગ્ય માત્રામાં હોય અને યોગ્ય રીતે લેવામાં આવે અને સાથે જ યોગ્ય વ્યક્તિએ પ્રિસ્ક્રાઇબ કરેલી હોય. બાકી પોતાની મરજીથી વારંવાર દવા લેવાની ટેવ આજે તમને રાહત આપી શકે છે. પરંતુ કાલે એ જ ટેવ તમારા શરીર માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે હવે પછી દુખાવો થાય કે તાવ આવે તો ડૉક્ટરને પૂછ્યા વિના કોઈ દવા ના લેતા.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
