
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે પણ ભારતનો સી-ફૂડ એક્સપોર્ટ(દરિયાઈ ખાદ્ય નિકાસ) આવી ઊંચાઈ સર કરી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ રૅકોર્ડબ્રેક ૭૨,૩૨૫.૮૨ કરોડ રૂપિયા(૮.૨૮ અબજ ડૉલર) પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ભારતીય સી-ફૂડ માટે અમેરિકા સૌથી મોટું માર્કેટ રહ્યું છે, પરંતુ આ વખતે ત્યાં ટૅરિફ સંબંધિત સમસ્યાઓને કારણે નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જોકે, રાહતની વાત એ છે કે અમેરિકાના આ ઘટાડાની ભરપાઈ ચીન અને અન્ય દેશોએ કરી દીધી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સી-ફૂડ નિકાસનો કુલ જથ્થો ૧૯.૩૨ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો છે.

ભારતની આ ઐતિહાસિક સફળતામાં ‘ફ્રોઝન ઝીંગા’ મુખ્ય ગ્રોથ એન્જિન સાબિત થયા છે. કુલ નિકાસ આવકમાં ઝીંગાનો હિસ્સો ૪૭,૯૭૩.૧૩ કરોડ રૂપિયા રહ્યો છે, જે કુલ કમાણીના બે-તૃતીયાંશ કરતાં પણ વધુ છે. અમેરિકામાં નિકાસના મૂલ્યમાં ૧૪.૫ % અને જથ્થામાં આશરે ૨૦ % નો ઘટાડો થયો હોવા છતાં તે ભારત માટે ટોપ નિકાસ ડેસ્ટિનેશન બની રહ્યું છે. અમેરિકામાં રેસિપ્રોકલ ટૅરિફની અસરને કારણે નિકાસ પર થોડો ફટકો પડ્યો છે, પરંતુ ભારતના ‘પ્લાન-બી’ એ વિદેશી બજારમાં ભારતની પકડ નબળી પડવા દીધી નથી.

અમેરિકાના માર્કેટમાં આવેલા ઘટાડા સામે ચીને ભારતીય સી-ફૂડની નિકાસમાં ૨૨.૭ %નો જંગી ઉછાળો નોંધાવ્યો છે. ચીન સિવાય યુરોપિયન યુનિયનમાં ૩૭.૯ % અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ૩૬.૧ %થી વધુનો નિકાસ વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત જાપાનમાં પણ સી-ફૂડ નિકાસ ૬.૫૫ % વધી છે. ફ્રોઝન ફિશ, સ્ક્વિડ, કટલફિશ અને ફિશ ઓઇલ જેવા પ્રોડક્ટ્સે પણ આ રેકોર્ડબ્રેક સફળતામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. નિષ્ણાતોના મતે, પરંપરાગત બજારોમાં ટૅરિફ અને પડકારો વચ્ચે નવા બજારો શોધવાની ભારતની વ્યૂહનીતિ સફળ રહી છે, જેના કારણે ભારતની સી-ફૂડ નિકાસ આજે ઓલ-ટાઇમ હાઇ લેવલ પર છે.

