૪ ફુટ ઉંચા શિવલિંગ પર કુદરતી જળ અભિષેક
/indian-express-gujarati/media/media_files/2026/09/09/shivkhori-gufa-temple-2026-09-09-22-29-33.jpg)
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલી શિવખોડી ગુફા ભોળાનાથના માટે શ્રદ્ધા અને આશ્ચર્યનું અદભુત કેન્દ્ર છે. હિમાલયની પહાડીઓમાં સ્થિત આ કુદરતી ગુફા ભગવાન શિવના અસ્તિત્વ અને ચમત્કારોની સાક્ષી પૂરે છે. માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા બાદ મિનિ અમરનાથ જેટલું મહત્વ ધરાવતા શિવખોડીમાં દર વર્ષો મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

શિવખોડી ગુફાની પૌરાણિક કથા
પૌરાણિક માન્યતા અનુસાર, ભસ્માસુર નામના દૈત્યે તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી વરદાન મેળવ્યું હતું કે તે જેના માથા પર હાથ મુકશે તે ભસ્મ થઈ જશે. આ વરદાનનો દુરુપયોગ કરી ભસ્માસુર શિવજીને જ ભસ્મ કરવા પાછળ પડ્યો. ભગવાન શિવે પોતાનો બચાવ કરવા માટે આ પહાડીમાં પોતાના ત્રિશૂળથી એક ગુફા બનાવી અને તેમાં છુપાયા હતા. બાદમાં ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી ભસ્માસુરનો નાશ કર્યો હતો. આ ગુફા ‘ખોડી’ (ગુફા) તરીકે જાણીતી થઈ.

શિવખોડીને ‘મિનિ અમરનાથ’ કેમ કહેવાય છે?
શિવખોડીને ‘મિનિ અમરનાથ’ કહેવા પાછળનું મુખ્ય કારણ અહીં કુદરતી રીતે બનતું શિવલિંગ છે. અમરનાથની જેમ જ અહીં ગુફાની છત પરથી સતત પાણી અને દૂધ જેવો શ્વેત પ્રવાહ કુદરતી શિવલિંગ પર ટપકે છે. આ ઉપરાંત, સ્થાનિક લોકવાયકા મુજબ આ ગુફાનો એક અંદરનો રસ્તો સીધો અમરનાથ ગુફા તરફ જાય છે, જેને સુરક્ષાના કારણોસર હાલ બંધ કરવામાં આવ્યો છે.

દર્શનનું ધાર્મિક મહત્વ
શિવખોડી ગુફા લગભગ ૨૦૦ મીટર લાંબી છે. ગુફામાં પ્રવેશતા જ સ્વયંભૂ શિવલિંગના દર્શન થાય છે, જે ચાર ફીટ ઊંચું છે. શિવલિંગની ઉપર પંચમુખી ગણેશ, કાર્તિકેય, પાર્વતીજી અને ત્રિશૂળની કુદરતી આકૃતિઓ ઉપસેલી જોવા મળે છે. માન્યતા મુજબ શિવખોડી ગુફામાં ૩૩ કોટી દેવી દેવતાનો વાસ છે. મહાશિવરાત્રી દરમિયાન અહીં વિશાળ મેળો ભરાય છે અને અહીં દર્શન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે તેવી શ્રદ્ધાળુઓની ગાઢ માન્યતા છે.

શિવખોડી આસપાસ જોવાલાયક સ્થળો
માતા વૈષ્ણોદેવી મંદિર : માતા વૈષ્ણો દેવી માતાજીનું પ્રસિદ્ધ મંદિર છે, જે શિવખોડીથી માત્ર ૮૦ કિમી દૂર આવેલું છે. વૈષ્ણો દેવીના દર્શન કર્યા બાદ મોટાભાગના ભક્તો શિવખોડી દર્શન કરવા આવે છે.
નૌ દેવી મંદિર : જમ્મુ અને કટરા પાસે આવેલું નો દેવી મંદિર એક પ્રખ્યાત ગુફા મંદિર છે, જે માતા દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે.
બાબા ધનસર : બાબા ધનસર જમ્મુ કાશ્મીરના રયાસી જિલ્લામાં આવેલું એક અત્યંત સુંદર, પવિત્ર અને પ્રકૃતિની ગોદમાં વસેલું ધાર્મિક સ્થળ છે. અહીં એક પ્રાચીન ગુફા છે, જેમા ખડકો માંથી સતત પાણી ટપકે છે અને કુદરતી રીતે શિવલિંગ પર અભિષેક થાય છે. તે વૈષ્ણોદેવીના બેઝ કેમ્પ કટરાથી આશરે ૧૫ કિમી દૂર આવેલું છે.
સિયાળ બાબા : સિયાળ બાબ સુંદર વોટરફોલ (ધોધ) માટે જાણીતું સ્થળ. ધોધના પાણીમાં સ્નાન કર્યા બાદ ભક્તો નજીકમાં આવેલા મંદિરમાં દર્શન કરે છે.
![]()
શિવખોડી કેવી રીતે પહોંચવું?
હવાઈ માર્ગ : નજીકનું એરપોર્ટ જમ્મુ (સતવારી એરપોર્ટ) છે, જે શિવખોડીથી આશરે ૧૩૦ કિમી દૂર છે.
રેલ માર્ગ : નજીકનું રેલ્વે સ્ટેશન ‘શ્રી માતા વૈષ્ણોદેવી કટરા’ (૮૦ કિમી) અથવા ‘જમ્મુ તવી’ (૧૩૦ કિમી) છે.
રોડ માર્ગ : કટરા અથવા જમ્મુથી રણસુ (રાંઝૂ) ગામ સુધી બસ કે ટેક્સી સરળતાથી મળે છે. રણસુ શિવખોડીનું બેઝ કેમ્પ છે, જ્યાંથી આશરે ૩ કિમી ચાલીને પવિત્ર ગુફા સુધી પહોંચી શકાય છે. ભક્તોની સુવિધા માટે ઘોડા અને પાલખીની સુવિધા પણ ઉપલબ્ધ છે.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
