મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ

ભારતની લોકશાહીના ઇતિહાસમાં ક્યારેય પણ કોઈ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) ને મહાભિયોગ દ્વારા તેમના પદ પરથી હટાવવામાં આવ્યા નથી. પરંતુ, હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષે મોરચો માંડ્યો છે. તેમની સામે મતદાર યાદી સુધારણામાં ગેરરીતિ અને પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો લાગ્યા છે. જેને લઈને તમામ વિપક્ષી પક્ષો (ઇન્ડિયા બ્લોક) એકજૂથ થયા છે અને આગામી સંસદ સત્ર પહેલા તેમની સામે ત્રીજો મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. ચાલો સમજીએ કે આ વિવાદ શું છે અને સીઈસી ને હટાવવાની પ્રક્રિયા કેટલી જટિલ છે.

Opposition Submits Notice for Impeachment Motion Against CEC Gyanesh Kumar  – Can He Be Removed? What Do the Rules Say? | Republic World

જ્ઞાનેશ કુમાર વિપક્ષના નિશાના પર આવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) નામની પ્રક્રિયા હેઠળ દેશભરમાંથી લાખો મતદારોના નામ મનસ્વી રીતે કમી કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચમાં આંતરિક મતભેદો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ઉપરાંત, તાજેતરમાં જ કેરળના પૂર્વ મુખ્ય સચિવે એક વિસ્ફોટક દાવો કર્યો છે કે જ્યારે જ્ઞાનેશ કુમાર સરકારી અધિકારી હતા, ત્યારે તેમણે વર્ષ ૨૦૧૯ ની ચૂંટણીમાં તેમને એક રાજકીય પક્ષની ટિકિટની ઓફર કરી હતી.
આવા ગંભીર આક્ષેપોને કારણે વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે. આગામી ૩૦ સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા બ્લોકની બેઠક મળવાની છે, જેમાં આ મુદ્દે અંતિમ રણનીતિ નક્કી કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવા કોઈ સરળ બાબત નથી. ભારતીય બંધારણમાં તેને માટે ખૂબ કડક જોગવાઈઓ છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમાન દરજ્જો: બંધારણના અનુચ્છેદ ૩૨૪(૫) મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનરને માત્ર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા દ્વારા જ પદ પરથી દૂર કરી શકાય છે. જ્યારે કે, અન્ય બે ચૂંટણી કમિશનરોને સીઈસી ની ભલામણથી સીધા રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરી શકાય છે.
નોટિસ અને હસ્તાક્ષર: પ્રક્રિયાની શરૂઆત લોકસભાના સ્પીકર અથવા રાજ્યસભાના અધ્યક્ષને નોટિસ મોકલીને થાય છે. આ પ્રસ્તાવ રજૂ કરવા માટે લોકસભામાં ઓછામાં ઓછા ૧૦૦ સાંસદો અને રાજ્યસભામાં ૫૦ સાંસદોની સહી હોવી ફરજિયાત છે.
સમિતિની રચના: પૂરતા હસ્તાક્ષરવાળી નોટિસ મળ્યા બાદ, તેને સ્વીકારવી કે નહીં તેનો નિર્ણય ગૃહના અધ્યક્ષ કરે છે. જો નોટિસ સ્વીકારવામાં આવે, તો આરોપોની તપાસ માટે ૩ સભ્યોની એક વિશેષ સમિતિ બનાવવામાં આવે છે.
તપાસ કમિટીના સભ્યો: આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) અથવા સુપ્રીમ કોર્ટના કોઈ ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક પ્રતિષ્ઠિત કાનૂની નિષ્ણાતનો સમાવેશ થાય છે. જો બંને ગૃહોમાં એક જ દિવસે નોટિસ અપાઈ હોય તો બંને ગૃહોમાં સ્વીકૃતિ બાદ સમિતિ બને છે, નહીંતર જે ગૃહમાં પ્રસ્તાવ પહેલા આવે ત્યાં સમિતિ રચાય છે.
ચર્ચા અને મતદાન: જો સમિતિને તપાસમાં આરોપો સાચા જણાય, તો તેનો વિગતવાર અહેવાલ ગૃહમાં રજૂ થાય છે. ત્યારબાદ પ્રસ્તાવ પર ચર્ચા થાય છે. જરૂર પડે તો આરોપી કમિશનરને પોતાનો પક્ષ રાખવા માટે ગૃહમાં બોલાવી શકાય છે. છેલ્લે મતદાન થાય છે. તેમાં જો બંને ગૃહોમાં ૨/૩ (બે તૃતીયાંશ) બહુમતીથી પ્રસ્તાવ પસાર થાય, તો જ રાષ્ટ્રપતિ તેમને હટાવવાની અંતિમ મંજૂરી આપે છે.

Impeachment move against CEC Gyanesh Kumar would lack numbers | Mint

જ્ઞાનેશ કુમારને હટાવવા માટે અગાઉ પણ પ્રયાસ થયા છે
વિપક્ષ દ્વારા જ્ઞાનેશ કુમારને હટાવવા માટે આ અગાઉ પણ પ્રયાસો થઈ ચૂક્યા છે.
પહેલી નોટિસ: માર્ચ ૨૦૨૬ માં, લોકસભામાં ૧૩૦ સાંસદો અને રાજ્યસભામાં ૬૩ સાંસદોની સહી સાથે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ, ૬ એપ્રિલના રોજ અધ્યક્ષો દ્વારા આ નોટિસ ફગાવી દેવામાં આવી હતી.
બીજી નોટિસ: ૭૩ સાંસદોની સહી સાથે માત્ર રાજ્યસભામાં બીજી નોટિસ આપવામાં આવી હતી, જે હજુ પેન્ડિંગ છે.
હવે વિરોધ પક્ષો એકઠા થઈને ત્રીજી નોટિસ લાવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, ભૂતકાળમાં ક્યારેય આ પ્રક્રિયા દ્વારા કોઈ સીઈસી હટ્યા નથી, તેથી જોવાનું એ રહેશે કે વિપક્ષની આ નવી રણનીતિ કેટલી સફળ રહે છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *