નાણાંમંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સતત નવમો બજેટ રજૂ કરીને ઇતિહાસ રચશે. તેઓ સતત સૌથી વધુ બજેટ રજૂ કરનાર નાણાંમંત્રી બનશે અને મોરારજી દેસાઈના રેકોર્ડની નજીક પહોંચશે.

ભારતની રાજકીય અને આર્થિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ આવતી કાલે સર્જાવાની છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સતત નવમું બજેટ રજૂ કરીને એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ભૂ-રાજકીય તણાવ અને ઘરેલુ વિકાસની જરૂરિયાતો વચ્ચે આવતું આ બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નહીં, પરંતુ મોદી સરકારના લાંબા ગાળાના આર્થિક દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ બનવાની અપેક્ષા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ માં બીજી વખત સત્તામાં આવ્યા બાદ નિર્મલા સીતારમણને દેશની પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણાંમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ ૨૦૨૪ માં ત્રીજી વખત મોદી સરકાર રચાઈ ત્યારે પણ નાણાં મંત્રાલયની જવાબદારી ફરી તેમની પાસે જ સોંપવામાં આવી. આ વિશ્વાસ અને સતત જવાબદારીના પરિણામે, સીતારમણ અત્યાર સુધીમાં ફેબ્રુઆરી ૨૦૨૪ ના અંતરિમ બજેટ સહિત કુલ આઠ સતત બજેટ રજૂ કરી ચૂકી છે.


ભારતના નાણાં મંત્રાલયના ઇતિહાસમાં અનેક દિગ્ગજોએ બજેટ રજૂ કર્યા છે. પી. ચિદમ્બરમે અલગ-અલગ પ્રધાનમંત્રીઓના કાર્યકાળ દરમિયાન કુલ નવ બજેટ રજૂ કર્યા હતા, જ્યારે પ્રણબ મુખર્જીએ નાણાંમંત્રી તરીકે પોતાના કાર્યકાળમાં આઠ બજેટ રજૂ કર્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ પી.વી. નરસિમ્હા રાવ સરકાર દરમિયાન સતત પાંચ બજેટ રજૂ કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. છતાં, સતત નવ બજેટ રજૂ કરવાનો અનોખો રેકોર્ડ હવે નિર્મલા સીતારમણના નામે જોડાવાનો છે.

નિર્મલા સીતારમણના કાર્યકાળ સાથે અનેક અનોખા રેકોર્ડ પણ જોડાયેલા છે. ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ તેમણે દેશનું અત્યાર સુધીનું સૌથી લાંબું બજેટ ભાષણ આપ્યું હતું, જે બે કલાક અને ચાળીસ મિનિટ સુધી ચાલ્યું હતું. રસપ્રદ વાત એ છે કે ભાષણ દરમિયાન બે પાનાં બાકી હોવા છતાં તેમણે પોતાનું ભાષણ પૂર્ણ કર્યું હતું. આ ઘટના પણ ભારતીય સંસદીય ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે.

બજેટ રજૂ કરવાની પરંપરાઓ પણ સમય સાથે બદલાઈ છે. સ્વતંત્ર ભારતનો પહેલો બજેટ ૨૬ નવેમ્બર, ૧૯૪૭ ના રોજ આર.કે. શણમુખમ ચેટ્ટીએ રજૂ કર્યો હતો. લાંબા સમય સુધી બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે સાંજે પાંચ વાગ્યે રજૂ થતું હતું, જે બ્રિટિશ શાસનકાળની પરંપરાનું પરિણામ હતું. આ પરંપરા ૧૯૯૯ માં અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન બદલાઈ, જ્યારે તત્કાલીન નાણાંમંત્રી યશવંત સિંહાએ બજેટ રજૂ કરવાનો સમય સવારે ૧૧:૦૦ વાગ્યે નક્કી કર્યો. ત્યારબાદ ૨૦૧૭ માં બજેટની તારીખ બદલીને ૧ ફેબ્રુઆરી કરવામાં આવી, જેથી નવું નાણાકીય વર્ષ શરૂ થતાં જ બજેટ અમલમાં આવી શકે.
આ વર્ષે રજૂ થનારો નવમો બજેટ માત્ર એક ઐતિહાસિક આંકડો નહીં, પરંતુ આર્થિક વૃદ્ધિ, રોજગાર સર્જન, ઔદ્યોગિક વિકાસ અને સામાજિક કલ્યાણ માટેની સરકારની પ્રાથમિકતાઓને પણ દર્શાવશે. વૈશ્વિક સ્તરે પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે, દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની દિશામાં આ બજેટ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

