ગુજરાત સરકારે હરિયાળા ગુજરાતના વિઝનને આગળ વધારવા માટે ‘વન કવચ’ મોડેલને રાજ્યવ્યાપી બનાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ નજીક ગોધાવીમાં ૧૦૦ હેક્ટરમાં રાજ્યનું સૌથી મોટું મહા વન કવચ વિકસાવવામાં આવશે. આ મોડેલ મિયાવાકી પદ્ધતિ કરતાં કેવી રીતે અલગ છે અને પર્યાવરણ માટે કેટલું અસરકારક છે તે જાણો.

ગુજરાત સરકારે જાપાનની મિયાવાકી પદ્ધતિથી પ્રેરણા લઈને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ તૈયાર કરેલા ‘વન કવચ’ મોડેલને હવે રાજ્યભરમાં વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હરિયાળી લોકસભા અભિયાનના ભાગરૂપે અમદાવાદ નજીક ગોધાવી ગામમાં ૧૦૦ હેક્ટરમાં ગુજરાતનું સૌથી મોટું ‘મહા વન કવચ’ વિકસાવવામાં આવશે.
રાજ્યના વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૧,૧૦૦ હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાંથી ૬૦૦ હેક્ટર વિસ્તાર માત્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ૫૦૦ નવી ‘વન કવચ’ સાઇટ પણ તૈયાર કરવાની યોજના છે.
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર, ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કુલ ૮૨ વન કવચો તૈયાર કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અંદાજે ૧.૨૫ કરોડ રોપાઓનું વાવેતર થશે, જેમાંથી લગભગ ૬૦ લાખ રોપાઓ વન કવચ મોડેલ હેઠળ વાવવામાં આવશે.
વન કવચ ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલું એવું મોડેલ છે, જે જાપાનની મિયાવાકી પદ્ધતિને સ્થાનિક આબોહવા અને દેશી વૃક્ષોની જરૂરિયાત પ્રમાણે બદલવામાં આવ્યું છે. મિયાવાકી પદ્ધતિમાં એક ચોરસ મીટરમાં ત્રણથી પાંચ છોડ વાવવામાં આવે છે, જ્યારે વન કવચમાં લગભગ એક ચોરસ મીટરે એક જ વૃક્ષ વાવવામાં આવે છે. આથી વૃક્ષોને પૂરતો સૂર્યપ્રકાશ, પાણી અને પોષક તત્ત્વો મળી રહે છે અને લાંબા ગાળે વધુ મજબૂત જંગલ વિકસે છે.

વન કવચ મોડેલમાં સમગ્ર જમીન બદલવામાં આવતી નથી, પરંતુ માત્ર રોપણીના ખાડાની તૈયારી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દેશી વૃક્ષોની વિવિધ પ્રજાતિઓને ઉપરના, મધ્યમ અને નીચલા સ્તરે ગોઠવી કુદરતી જંગલ જેવી રચના ઉભી કરવામાં આવે છે. જેના કારણે પક્ષીઓ, પતંગિયાં, પરાગનયન કરતા જીવજંતુઓ અને અન્ય વન્યજીવો માટે અનુકૂળ નિવાસસ્થાન વિકસે.
