
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકેબંધીના કારણે વિશ્વભરમાં ઓઇલ અને ગેસના પુરવઠાને લઈને ચિંતા વધી છે. આ કટોકટીના સમયે ભારતે અત્યંત સમજદારીપૂર્વકનું પગલું ભર્યું છે. ભારત સરકારે રશિયાથી ઓઇલ લાવતા જહાજો માટે વીમો આપતી રશિયન કંપનીઓની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ(ડીજીએસ) દ્વારા અગાઉ ૮ કંપનીઓને મંજૂરી અપાઈ હતી, જે હવે વધારીને ૧૧ કરી દેવામાં આવી છે. ભારતનો આ નિર્ણય દેશની ઊર્જા સુરક્ષા માટે એક મજબૂત ‘સુરક્ષા કવચ’ સમાન માનવામાં આવે છે.

આ કંપનીઓ જહાજોને ખાસ પ્રકારનો વીમો પૂરો પાડે છે, જેને P & I કવર(રક્ષણ અને વળતર) કહેવામાં આવે છે. આ વીમા વગર કોઈપણ જહાજ આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં કાર્ય કરી શકતું નથી. રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે યુરોપિયન વીમા કંપનીઓએ રશિયન તેલ વહન કરતા જહાજોને વીમો આપવાનું બંધ કર્યું હતું. ભારત હાલમાં રશિયા પાસેથી મોટી માત્રામાં સસ્તું તેલ ખરીદી રહ્યું છે, તેથી તેલ પુરવઠામાં કોઈ અડચણ ન આવે તે માટે ભારતે રશિયન અને દુબઈ સ્થિત કંપનીઓને મંજૂરી આપીને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી કાઢ્યો છે.

ભારતે માત્ર વર્તમાન જ નહીં પરંતુ આગામી ઘણા વર્ષોનું આયોજન કરી લીધું છે. ગઝપ્રોમ ઇન્શ્યોરન્સ અને રોસગોસ્ત્રાખ જેવી મોટી રશિયન કંપનીઓને ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી, જ્યારે વીએસકે, સોગાઝ અને આલ્ફાસ્ટ્રાખોવાની જેવી કંપનીઓને ૨૦૩૦ સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ એક પર નિર્ભરતા ઘટાડવા માટે દુબઈ સ્થિત ‘ઇસ્લામિક પ્રોટેક્શન એન્ડ ઇન્ડેમ્નિટી ક્લબ’ને પણ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી સેવાઓ આપવાની પરવાનગી મળી છે.

વિશ્વમાં ઓઇલ આયાત કરતો ભારત ત્રીજો સૌથી મોટો દેશ છે. ઓઇલનો મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થાય છે, જ્યાં અત્યારે ભારે તણાવ છે. જો આ રસ્તો બંધ થાય કે તેમાં અડચણ આવે તો ભારતની અર્થવ્યવસ્થા પર સીધી અસર પડી શકે તેમ છે. આ કપરા સમયમાં રશિયન ઓઇલ માટે વીમા વ્યવસ્થા મજબૂત કરીને ભારતે ખાતરી કરી છે કે દેશમાં ઓઇલ અને ગેસની કોઈ અછત સર્જાશે નહીં.